પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાટ્યસર્જનના ભાષાકર્મ વિષે એટલું વિચારીને આપણે પહેલાં જયભિખ્ખુનાં નાટકોની ભાષાના સંદર્ભમાં ધીરુભાઈ ઠાકરે કહેલાં વચનોને નોંધીશું : ‘ભાષા હરકોઈ સાહિત્યકારને તેના ભાવક સાથે જોડનારો પુલ છે. પણ નાટકમાં તેનું કાર્ય સવિશેષ મહત્ત્વનું છે, કારણ કે, નાટ્યકારને ઉદ્દિષ્ટ સૃષ્ટિને વાચકના ચિત્તમાં ભરી દેવાનું અને તેની ભાવનાને ભાવકના હૃદયમાં ઉતારવાનું એકમાત્ર સાધન તેમાં યોજેલા સંવાદો છે. સંવાદો દ્વારા પાત્રનું વ્યક્તિત્વ ઉઠાવ લેતું જાય, નાટકનું કાર્ય આગળ વધતું જાય અને કેન્દ્રવર્તી ભાવ કે વિચારની ગૂંચ તીવ્ર સંવેગ સાથે ઉકલતી જાય એવી શબ્દશક્તિ નાટકકારમાં જોઈએ. શ્રી જયભિખ્ખુની આ નાટિકાઓની સફળતાનો ઘણો યશ તેમની બલિષ્ઠ વાણીને ફાળે જાય છે.’ (રસિયો વાલમ અને બીજા નાટકો, પૃ. ૯, પહેલી આવૃત્તિ, ૧૯૫૫).

અહીં Drametic Dialogue is more than conversation સૂત્ર પણ ઓછું પડે એ રીતે જયભિખ્ખુની નાટ્યાત્મક ભાષાનો મહિમા થયો છે. આ સંદર્ભમાં આપણને તરત જ મુનશીનાં નાટકોની ભાષાનો મહિમા સ્મરણમાં આવે છે, સાથે સાથે જયભિખ્ખુની નવલકથાઓ કે નવલિકાઓમાં જોવા મળતી નાટ્યાત્મક સંવાદયોજનાઓ પણ સ્મરણમાં આવે છે. જયભિખ્ખુના નાટ્યસર્જન વિષે આગળ આપણે વિગતે વાત કરવાના છીએ પણ હાલ પૂરતું એના ભાષાલક્ષી મહિમાનો આ સંદર્ભ ‘સર્જકકર્મ એ જ ભાષાકર્મ’ની આધુનિક વિભાવનાને પણ પુષ્ટિ આપે છે, એ યાદ રાખવું જોઈએ.

નાટકની મોટા ભાગની સફળતાનો આધાર લેખકે કરેલી નાટ્યક્ષમ વસ્તુની પસંદગીમાં છે. નાટ્યક્ષમ વસ્તુ પસંદ કરીને એનું નિર્વહણ કરતી વખતે નાટકકારે કેટલીક રોજિંદી કાળજી રાખવી પડે છે. નાટ્યવસ્તુના સતત થતા જતા વિકાસમાં, ગતિશીલતામાં, અકૃત્રિમ છતાં અપેક્ષાઓથી અણધાર્યા જ વળાંકો લેવામાં, અંદાજોથી વિરુદ્ધ જ ગતિ કરીને લક્ષ્યને સાધતા વિકાસમાં, એક પ્રસંગમાંથી ઉદ્ભવતા બીજા પ્રસંગની સળંગ હારમાળામાં નાટકની આયોજના ઢીલી કાચી ન બની બેસે એની નાટકકારે