પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

 આ પરિપ્રેક્ષ્યમાં વિચારતાં, અંગ્રેજોના આગમન પહેલાંની પરિસ્થિતિ દરમ્યાન એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વહેતા કથારસની અને પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવ પછીની એવી પરિસ્થિતિની તુલનામાં સામ્યવૈષમ્ય તારવવાનું સહેલું બનશે. કથારસને વહેતો કરવા માટે મધ્યકાળે મુખ્યત્વે આખ્યાન અને પદ્યવાર્તાનો આધાર લીધો હતો. એમાં આખ્યાનમાં વિષયવસ્તુ પૌરાણિક હોવાં છતાંય પ્રેમાનંદ જેવા સમર્થ કવિએ સમાજજીવનની સામગ્રીના આલેખનમાં સમકાલીનતા જાળવી છે. એ જ રીતે શામળની લોકવાર્તાઓમાં જે પાત્રો આલેખાયાં છે. એનાં આચારવિચાર ઔપચારિકતા અને બાહ્ય ઉપકરણો તેના સમકાલીન ગુજરાતનાં જ જણાય છે. મધ્યકાલનાં અન્ય કથારસિત સ્વરૂપોના અભ્યાસથી પણ આવાં જ તારણો નીકળશે.

એ જ રીતે ‘કરણઘેલો’ કે ‘સાસુ વહુની લડાઈ’ જેવી આરંભકાલીન નવલકથાઓમાં વાતાવરણ તો એના સર્જનકાળના ગુજરાતનું જ રહ્યું છે. ‘કરણઘેલો’ તો ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથા છે, એમ છતાં એમાં સૂતરની આગ કે રેલનાં તાદૃશ ચિત્રણ છે એમ કહેવાયું છે. સંક્ષેપમાં કહીએ તો પાશ્ચાત્ય પ્રકારને ગુજરાતીમાં અપનાવીને ગુજરાતી નવલકથાકારે આરંભથી જ ગુજરાતી સમાજદર્શન, સંસ્કૃતિ અને વાતાવરણને નવલકથાની સામગ્રીના લેખે લગાડ્યાં છે.

મધ્યકાળમાં પદ્યરૂપે વહેતી કથાઓમાં પ્રેમાનંદે કે શામળે વસ્તુવિન્યાસ અંગે અનેકવિધ ચમત્કૃતિઓનો આધાર લઈને કથારસ બહેલાવ્યો છે. વિવિધ રસનું સંયોજન, તેજસ્વી પાત્રાલેખન, પાત્રપરિસ્થિતિની પારસ્પરિક સંપૂરકતા જેવાં વિલક્ષણ તત્ત્વો મધ્યકાલીન કથાસાહિત્યમાં હતાં અને એ પછી નવલકથામાં પણ ટકી રહ્યાં છે. સર્જકને ઇષ્ટ એવી - ‘જિજ્ઞાસારસને દ્રવતો રાખી મિષ્ટ વાર્તા ભેગો ઉપદેશ પાઈ દેવાની’ - પ્રવૃત્તિ તો છેક ‘સરસ્વતીચંદ્ર’ સુધી અને પછી પણ નવલકથાના આલેખન સંદર્ભે વિલસતી રહી છે.

એ તો જાણીતી વાત છે કે ગુજરાતી નવલકથાકારે નવલ વસ્તુનિરૂપણ સંદર્ભે જેટલી સામગ્રીની ખેવના કરી છે, એટલી સ્વરૂપની કરી નથી. તેથી,