પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પોતાની રીતે નાટકના ઢાળામાં ઢાળે છે. આ નાટકોમાં ‘ગીતગોવિંદનો ગાયક’, ‘પન્નાદાઈ’ ‘આ ધૂળ આ માટી’નું વસ્તુ ઔતિહાસિક છે. ‘રસિયો વાલમ’ અને ‘બહુરૂપી’નું વસ્તુ ઐતિહાસિક છે તો ‘નરકેસરી’ અને ‘પતિતપાવન’નું વસ્તુ પૌરાણિક છે.

આબુ પહાડ ઉપર સુપ્રસિદ્ધ દેલવાડાનાં દહેરાંની પછવાડે મૌની બાવાની ગુફાને રસ્તે એક જીર્ણશીર્ણ દેહરી પ્રેમનો મહાવૈભવ ધારીને ઊભી છે એની સામે એક મંદિરમાં શ્રીમતીની મૂર્તિ છે એને લોકો કુંવારી કન્યાની મૂર્તિ કહે છે. શ્રીમતીની મૂર્તિ સામે એક નાનું મંદિર છે. ઘૂમટ તૂટેલો છે. એ ઘૂમટ નીચે એક પુરુષની મૂર્તિ છે. એના હાથમાં પાત્ર છે એ રસિયા વાલમની મૂર્તિ કહેવાય છે. આ કુંવારી કન્યા અને રસિયા વાલમ વિષે પ્રચલિત દંતકથામાંથી ‘રસિયો વાલમ’નું સર્જન થયું છે. છ પ્રવેશમાં વહેંચાયેલી આ નાટિકાનાં પાત્રો છે જુવાન સ્થપતિ રસિયો વાલમ, મહાજન, આબુ પર્વતના રાજા - રાણી અને રાજકુંવરી શ્રીમતી, ગ્રામજનો અને મજૂરો. સ્થળ છે આબુ પર્વતની તળેટીમાં આવેલું એક નાનકડું, નકશીદાર સોહામણું ગામ. સમય છે વર્ષાકાળનો. પહેલો પ્રવેશ આરંભાય છે ગ્રામજનો દ્વારા થતી ચિંતાભરી વાતચીતથી. વાદળો અનરાધાર વરસે છે એને કારણે ગામની પાજ તૂટી ગઈ છે, પૂરના પાણી ગામ આખાને ગળી જવા થોડા સમયમાં આગળ વધશે એની ચિંતામાં ટોળે વળેલા ગ્રામજનોને એક જ ઉકેલ દેખાય છે અને તે યુવાન અને કુશળ સ્થપતિ વાલમ જો આ પાજ ઠીક કરે તો ગામ બચી શકે. પણ વાલમે તો પ્રતિજ્ઞા લીધી હતી સ્થાપત્યના કોઈ પણ કામ નહીં કરવાની. પણ ગામના હિત ખાતર વાલમ પોતાની પ્રતિજ્ઞા બાજુએ મૂકી પાજ બાંધે છે અને ગામ પૂરના ભયમાંથી બચી જાય છે. રાજા- રાણીને રાજકુંવરીને જ્યારે આ બનાવની જાણ થાય છે ત્યારે તેને ખૂબ ખૂશ થઈ વાલમને અભિનંદે છે. પાજની બાંધણી નિહાળી રાજકુમારીને પોતાને માટે વાલમ પાસે એક વિહાર બંધાવવાની ઇચ્છા જાગે છે. રાજવંશીઓથી દુભાયેલો કલાકાર આત્મા કદાચ ના પાડે એવો રાજાને ડર છે એથી ખુદ કુંવરીને જ વાલમને કહેવાનું રાજા કહે છે. કલાપારખુ કુંવરીની ભાવનાભરી વાત વાલમ ટાળી શકતો નથી અને વિહાર બાંધવાની તૈયારી બતાવે છે.