પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બીજો પ્રવેશ ત્યાં પૂરો થાય છે. ત્રીજા પ્રવેશમાં અદૂભુત કારીગરીવાળું વિહાર બંધાયાની ખુશાલીમાં રાજકુંવરી વાલમને ‘રસિયા પુરુષ’ની પ્રસંસાથી વધાવે છે અને એના પ્રેમમાં પડે છે. રાજકુંવરી દ્વારા થતા પ્રેમની વામલ સમક્ષની જાહેરાત વાલમને ચોંકાવી દે છે પણ રાજા દ્વારા રાજકુંવરીના પ્રેમને મળેલું પ્રોત્સાહન તેને આનંદિત કરે છે. રાજા પુત્રીના પ્રેમથી ખુશ થાય છે. પણ રાણીએ એક શરત મૂકી છે. એક દિવસ-રાતમાં આબુની બાર પાજ બાંધવાની. જો વાલમ એ શરત પૂરી કરી શકે તો રાણી પોતાની કુંવરીનું વાલમ સાથે લગ્ન કરવા તૈયાર થાય છે. ચોથા પ્રવેશમાં ‘ઝાઝા હાથ રળિયામણાં’ની શ્રમશક્તિ દર્શાવે છે. ગામડાનાં દરેક માનવીની એક જ ઝંખના છે અને તે રાણીએ મૂકેલી શરત પૂરી કરવાની. પાંચમો પ્રવેશ કામ પૂરું થવાની લગભગ અણી ઉપર છે એ વખતે અચાનક બોલેલા ફૂકડાને કારણે વ્યગ્ર અને વ્યથાગ્રસ્ત વાલમની વેદનાને વાચા આપે છે. પોતે શરત પૂર્ણ ન કરી શક્યો એની વેદનામાં ઝેર ખાઈ મૃત્યુમુખે ધસતા વાલમને જ્યારે દોડતી આવતી રાજકુંવરી કહે છે કે ખરેખર એ તો રાણીનું કાવતરું હતું, કૂકડો ખોટો બોલ્યો હતો.’ ત્યારે ઘણું મોડું થયું છે. વાલમ, વાલમની પાછળ રાજકુંવરી અને પ્રેમાસક્ત જોડાને હણવાના પાપની વ્યથાથી રાણી એક જ સ્થળે મૃત્યુ પામે છે. છઠ્ઠો પ્રવેશ રાજા દ્વારા આ પવિત્ર પ્રેમની યાદમાં બંધાવાતી દહેરીનો છે. કુળ અને જાતિના મિથ્યાભિમાનીપણાની વેદી પર નિર્દોષ પ્રેમનું અપાતું બલિદાન વર્ણવતી આ નાટિકા છે. વાલમ, રાજકુંવરી અને રાજાનાં પાત્રો સારો ઊઠાવ પામ્યાં છે. સમષ્ટિના કલ્યામ અર્થે પોતાના અંગત રાગદ્વેષને પડતા મૂકનાર વાલમ, રાજકુંવરીની વિનંતીથી રસભર્યા કાવ્ય જેવું સરોવર બનાવનાર રસિયો વાલમ તથા પ્રેમને ખાતર બલિદાન વહોરનાર વાલમ પાત્રરૂપે સરસ ઊપસે છે. તખ્તાલાયકીની દૃષ્ટિએ છેલ્લું દશ્ય ટાળી શકાયું હોત.

‘રસિયા વાલમ’ની જેમ જ છ પ્રવેશમાં વહેંચાયેલી ‘પતિતપાવન’ નાટિકાનાં મુખ્ય પાત્રો છે રોહિણેય, મુગટ, મહારાજા શ્રેણિક અને મહામંત્રી અભયકુમાર. પચ્ચીસસો વર્ષ પહેલાંની ઘટનાને અહીં નાટ્યરૂપ મળ્યું છે. અહિંસા, પ્રેમ અને સત્યના અવતાર ભગવાન મહાવીરે ‘જીવમાત્ર સમાન ને