પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આપીને મનવાને જ તૈયાર કર્યો. મનવાએ વણિકને છેતરવા માટે યોગીનો વેશ ધારણ કર્યો. એ વેશ એટલો અદ્ભુત કર્યો કે નથમલજી છેતરાઈ ગયા, ને તેઓ એને સાચો સાધુ માની તેની પાસે સંન્યાસ દીક્ષા લેવા તૈયાર થયા. આ વખતે મનવાનું આત્મભાન જાગ્યું. એ નકલમાંથી અસલ સાધુ બન્યો અને ટેકરી ઉપર તપ કરી હજારો લોકોનું કલ્યાણ કર્યું. પાત્રોચિત ભાષા, ટૂંકા, ક્યારેક તળ ભાષાના છતાં અસરકારક સંવાદો અને નકલ કરતાં કરતાં અસલ બની જતા મનવાના માનસપરિવર્તનને નિરૂપતું આ નાટક એમાં નિરૂપાયેલ ભાવનાને કારણે ઉત્કૃષ્ટ બની શક્યું છે.

મેવાડની એક અદ્ભુત સમર્પણશીલ નારીની કથા કહેતું ‘પન્નાદાઈ’, સાત પ્રવેશમાં વહેંચાયેલું છે. મેવાડના રાણાઓના અંતઃપુરમાં રાજકુમારોની દાઈ તરીકે કામ કરતી આ નારીએ મેવાડના બાળ રાણા ઉદયસિંહને બચાવવા પોતાના પુત્ર જગમાલનો ભોગ આપ્યો અને સ્વામીભક્તિનું, દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ જગતઆંગણે પૂરું પાડ્યું. બાળ રાણાને માત્ર બચાવીને સંતોષ નહીં માનનારા આ નારીએ એના સંસ્કારઘડતર માટે મારવાડમાં ઠેકઠેકાણે ટહેલ નાખી પણ વનવીર સાથે વેર બાંધવા લાચાર એવા અનેક યોદ્ધાઓએ જ્યારે એને પાછી કાઢી ત્યારે છેવટે તે કમલમેરના રાજવી આશરાજના આંગણે આવે છે. અહિંસાને વરેલા આશરાજ જ્યારે પન્નાની ટહેલને ટાળે છે ત્યારે આશરાજની માતા આશરાજને અહિંસાનો સાચો અર્થ સમજાવી પુત્રને રાજધર્મ નિભાવવા પ્રેરણા આપે છે. આશરાજને એની માતા સમજાવે છે કે અન્યાયની સામે નિઃસ્વાર્થભાવે ઝઝૂમવું ને સ્વાપર્ણ કરવું એ પણ મોટામાં મોટી અહિંસા છે. આમ આ નાટક વીરની અહિંસા અને કાયરની અહિંસા શું છે એ પોતાનાં પાત્રોનાં વર્તન, વાણી, વ્યવહાર દ્વારા સમજાવે છે. મેવાડના પૃષ્ઠ ઉપર જેનાં નામ સુવર્ણાક્ષરે લખી શકાય એવી બે માતાઓના મેવાડના ચરણે ધરાયેલા સ્વપુત્રબલિદાનની કથા અહીં વર્ણવાઈ છે. પન્નાએ પોતાનો બાળપુત્ર મેવાડને ચરણે ધર્યો જ્યારે રાજમાતાએ પોતાના યુવાન પુત્રને કર્તવ્યની વેદી પર બલિ થવા પ્રેર્યો. ધીરુભાઈ ઠાકરને રાજકુમાર ઉદયસિંહની જગ્યાએ પોતાના પુત્રનો ભોગ આપતી પન્નાના અપૂર્વ બલિદાનને પ્રસંગે નાટકનો ચમત્કૃતિજનક સંઘર્ષ