પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સર્જકશકિતનું અનુપમ નજરાણું છે. જાણીતા બંગ કવિ જયદેવના પદ્માવતી સાથેના પ્રણયલગ્ન અને ‘ગીતગોવિંદ’ના સર્જનને વર્ણવતી આ નાટિકામાં જૈનધર્મી લેખકનું કૃતિમાં વ્યક્ત થતું વૈષ્ણવ ભક્તિમાર્ગનું શાસ્ત્રજ્ઞાન અને ભક્તિશૃંગારની સમજ આગવાં ઊપસી આવે છે. સાચા વૈષ્ણવનો પ્રેમ દ્રાક્ષને શેરડીના જેવો આરોગવે મીઠો, પણ ઝરવામાં સિંહણના દૂધ જેવો દુષ્કર છે એ સંદેશને વર્ણવતી આ નાટિકામાં જયદેવ-પદ્માવતીનો અપૂર્વ પ્રણય નિરૂપાયો છે. જયદેવ-પદ્માવતીના સ્નેહમાં રાજકુંવરીની જયદેવ માટેની અભિલાષાઓ અને રાણીએ કરેલી પદ્માવતીની જીવલેણ કસોટીમાં આકરો જીવનસંઘર્ષ જોવા મળે છે.

છ પ્રવેશોમાં વિભક્ત શ્રી જયભિખ્ખુની ‘આ ધૂળ, આ માટી’ નાટિકાનું ધ્યેય છે. માતૃભૂમિનું ગૌરવ, એની એકતા અને લોકનેતામાં અપેક્ષિત વિષપાનની તૈયારીનું સૂચન. આ માટે એમણે આઠમી સતાબ્દીના મેવાડમાંથી ભીલ અને રજપૂત જાતિના ભયંકર વિદ્વેષનો પ્રસંગ લીધો છે. એમની વેરપરંપરામાં ભીલો રજપૂત રાજા નાગાદિત્ય ગોહિલનું કપટથી ખૂન કરે છે. ભીલો એ વધામણીના સમાચાર આનંદે છે, જ્યારે ભીલ સ્ત્રીઓ પુરુષોને એ માટે ફિટકારે છે. બીજી બાજુ રજપૂતો આ વાત જાણીને વેર લેવા માટે આતુર બને છે. પરંતુ નાગાદિત્યનો પુત્ર શૈલ પોતાના પિતાનું સાચું તર્પણ વેરમાં નહિ, પણ બે જાતિઓની એકતામાં નિહાળે છે. અને તે માટે ભીલો પાસે જઈ, પગદંડો જમાવવા આવેલા પરદેશીઓના વાકતરાનો ખ્યાલ આપી મા-ભોમની એકતા માટે મથે છે. અને છેવટે એમાં વિજયી થાય છે. વચમાં પરદેશી હાકેમની બે જાતિઓને સામસામી લડાવી, મલાઈ પોતે ખાઈ જવાની હલકટ વૃત્તિનું ચિત્રણ છે તો બીજી બાજુ સોનલકુંવરી અને શૈલના અતૂટ પ્રેમસંબંધનો તંતુ પણ એમાં વણાયો છે. સોનલ અને શૈલના પાત્રોને કુશળતાથી ઊપસાવતી આ નાટિકા દેશની સ્વાધીનતાવાળી અખંડ મૂર્તિ ઉપસાવવાનો જે પ્રયત્ન કરે છે એમાં એને સારી એવી સફળતા મળે છે. એમાંના ગીતો અને લયયુક્ત લહેકાથી ગદ્ય સોહાણમું બન્યું છે. મા-ભોમ એ ધૂળ કે માટી નથી. એની એકતાની મૂર્તિને જીવને સાટે પણ સાચવવી જોઈએ એ સૂર લેખક પોતાની લાક્ષણિક, અલંકાર-લઢણોવાળી શૈલીમાં વ્યક્ત કરે છે.