પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સમગ્રતયા જયભિખ્ખુનાં આ નાટકોને નજર સમક્ષ રાખીને નાટકકાર જયભિખ્ખુને તપાસીએ તો જણાય છે કે નાટકોમાં એમની સૂઝ-સમજપૂર્વકની દૃષ્ટિ છે. એમણે કથાવસ્તુ, ચારિત્ર્યગઠન અને સંવાદોનો સુમેળ આગવી રીતે સાધ્યો છે. ઊર્દૂ કે હિંદી, સંસ્કૃત કે ગુજરાતી કોઈ પણ બોલીના તળપદા પ્રાગેશિક છાંટવાળા સંસ્કારો ઝીલીને, કશીયે આભડછેટ વિના, કશીયે આળપંપાળ કે આનાકાની વિના વાણીને એમણે વહેવડાવી છે. અને એ દ્વારા પાત્રોનાં સામાન્ય ભાવે ન સમજાતાં, વિરોધી લાગતાં વર્તનને ક્રમે ક્રમે વિકસાવી, બીજમાંથી ફૂલીફાલીને કલાત્મક રીતે ફલસ્વરૂપ પામતાં અને નાટ્યકલા પ્રગટાવતાં દર્શાવાયાં છે. શિષ્ટ, સુવાચ્ય, સચોટ, રસિક અને ચિત્રાત્મક શૈલીનાં સર્જકપક્ષના મુખ્ય ગુણોને કારણે પરિણામ સફળ રહ્યું છે.

લઘુ નાટકના નાનકડાં પટ ઉપર ખેલ કરતાં કરતાં જીવંત પાત્રોને ઉપસાવવાનું અઘરું જણાતું કાર્ય જયભિખ્ખુની સર્જકતાએ આરંભના પ્રયત્નને જેબ આપે એ રીતે બજાવ્યું છે. એમના દરેક નાટકના મુખ્ય પાત્રોનો ઉઠાવ સચોટ રીતે થયો છે. આરંભકાલીન નાટ્યરચનાઓમાંના પાત્રચિત્રણને આધારે નાટકકાર જયભિખ્ખુએ એ અપેક્ષા પણ જગાડી છે કે પાત્રના વ્યક્તિચિત્રણમાં તેમની પીંછી સ્થુળ બનાવોના ઘેરા રંગ છોડીને, આંતરસંવેદનાના આછા રંગ ગ્રહે, એના લસકારાઓ પણ નાજુક અને સૂચનાત્મક બને અને નાનાંમોટાં સૌ પાત્રો નિરનિરાળાં વાણી, વર્તન ને મનોમંથનથી એકબીજાથી જુદાં તરી આવે એવું વ્યક્તિત્વ છતું કરી બતાવે. જયભિખ્ખુનાં પાત્રોનાં ચારિત્ર્યગઠન જીવનની વાસ્તવિકતાઓમાંથી સરજાયેલાં, છતાંય આદર્શોની અવધૂત મોહિનીથી મુગ્ધ કરતાં રહ્યાં છે.

નાટકમાં વસ્તુના હાર્દને સ્ફુટ કરવામાં પાત્રની જેમ વાતાવરણ પણ સારું મદદકર્તા બને છે. જયભિખ્ખુનાં પાત્રોની ખૂબીઓ છે કે તેઓ જ્યાં જન્મે છે ત્યાં પોતાની આગવી સૃષ્ટિ ઊભી કરે છે ! તેમનાં નાટકોની પાર્શ્વભૂમિ ઘણુંખરું વન, પર્વત, રાજમહેલ, રાજ કચેરી, જેલખાનું કે ગામડું છે. ઘોડેસવારો, સોદાગરો, ઢોલ, બુંગિયા અને તોપના અવાજો, જલ્લાદ અને કોરડા, ભજનો અને લોકગીતોનાં ગાન વગેરે વિગતો આ નાટકોનાં