પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૩
 

સ્વરૂપલક્ષી આલેખનની સાચી કે ખોટી મથામણો, થોડા સ્વરૂપનિર્માણના અભ્યાસીઓ સિવાય વિવેચાઈ પણ નથી. આકૃતિ-નિર્માણની અપેક્ષાએ સુરેશ જોશી જેવા જાગૃત વિદ્વાને કરેલી વિવેચના ખુદ તેઓના પોતાના સર્જનમાં જ તેઓને વશવર્તીને રહી નથી, એ વાત પણ નોંધપાત્ર છે. આમ, સ્વરૂપની વિભાવના ગુજરાતી નવલકથાની વિકાસગતિમાં કેવળ એનાં ઘટક તત્ત્વોની પ્રાથમિક સમજણથી આગળ વધી નથી. તેથી કેટલીક વાર ‘નવલિકા લાંબી કરવાથી નવલકથા બને અને નવલકથા ટૂંકી કરવાથી નવલિકા બને’ એવી ખોટી સમજણ પણ ચગેલી જોવા મળે છે.

એમ છતાં, ગુજરાતી સાહિત્યના સર્જનકાલમાં નવલકથા વધુ લોકપ્રિય બનેલો સાહિત્યપ્રકાર છે. એના નવલતત્ત્વની અપેક્ષાએ સામગ્રીની નવીનતા સતત ધ્યાનપાત્ર બનતી રહે એવું સામગ્રીપરક ગજું પણ ગુજરાતી નવલકથાએ દાખવ્યું છે. બૃહદ્ નવલથી આરંભીને છેક લઘુનવલ કે અણુનવલ સુધીની વાત સમજણ વિસ્તારવામાં ગુજરાતી વિવેચન પણ - નવલકથા નિમિત્તે – ગજું દાખવી શક્યું છે.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નવલકથાની પરંપરા ઊભી કરનાર નંદશંકરની ‘કરણઘેલો’ (ઈ. સ. ૧૮૬૬) એક અંગ્રેજી શિક્ષણાધિકારી મિ. રસેલની પ્રેરણાથી લખાઈ હતી. ગુજરાતના છેલ્લા મહારાજા કરણ વાઘેલાની કથાને પસંદ કરીને લેખકે ઇતિહાસવિષયક નવલકથાનું આલેખન કર્યું છે. એમાં કથાનું સંવિધાન શિથિલ છતાં અવિસ્મરણીય વર્ણનો અને છટાદાર ભાષાશૈલી દ્વારા આરંભના તબક્કે જ લેખકે ગુજરાતીની નોંધપાત્ર નવલકથા આપી છે.

અંગ્રેજી સાહિત્યના જ સંગરંગથી ભારતની અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ લગભગ આ જ ગાળામાં નવલકથા રચવાના પ્રયત્નો થયેલા છે. બંગાળી, મરાઠી, હિન્દી, તેલુગુ વગેરેમાં લખાયેલી પ્રથમ નવલકથાઓમાં બંગાળી નવલકથા ‘દુર્ગેશનંદિની’ પછી ‘કરણઘેલો’ વિષયવસ્તુ અને શૈલીની દૃષ્ટિએ મહત્ત્વના ઉન્મેષ સમી બની રહે છે. એ પણ ગુજરાતી નવલકથાના આરંભ સંદર્ભે નોંધનીય ઘટના ગણાવી શકાય.

આજ અરસામાં શ્રી મહીપતરામ નીલકંઠે ‘સાસુવહુની લડાઈ’ (ઈ.સ. ૧૮૬૬),