પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાતાવરણમાં મસ્તી, રોમાંચ, સાહસ, ઉદ્વેગ, યુયુત્સા, બલિદાન વગેરે રોમેન્ટિક તત્ત્વોની મિલાવટ કરી વાતાવરણને તાદૃશ, ચિત્રાત્મક અને અસરકારક બનાવે છે.

જયભિખ્ખુનાં નાટકોમાં માનવમૂલ્યોની હંમેશાં પ્રતિષ્ઠા થતી રહી છે. તંદુરસ્ત જીવનદર્શન કરવું અને કરાવવું એ તેમનું અન્ય સાહિત્યપ્રકારોની જેમ નાટકમાં પણ મુખ્ય નિશાન રહ્યું છે. એમનાં નાટકોમાં જીવનનો મર્મ એના અનાયાસ સહજભાવે કળીમાંથી વિકસીને પૂર્ણ રૂપે વિલસી રહ્યો છે. એમનું ‘રસિયો વાલમ’ ઉદાત્ત પ્રેમની સ્વાપર્ણકથા છે. તો ‘પતિતપાવન’ જડ થઈ ગયેલી માણસાઈની નવજાગૃતિનો સંદેશ છે. ‘બહુરૂપી’ સાંસારિક રમતનાં કાંટા વચ્ચે અચાનક ફૂટી નીકળતા ગુલાબ જેવી નિર્મળ વૈરાગ્યની ભાવનાને બોધે છે તો ‘પન્નાદાઈ’ વીર બલિદાનથી ઓપતી અપૂર્વ રાજભક્તિરૂપે કર્તવ્યનિષ્ઠાનું સ્મરણીય દૃષ્ટાંત છે. ‘નરકેસરી’ અહિંસાની અંતિમ કોટિ દર્શાવતાં અસાધારણ ઔદાર્ય અને ક્ષમાભાવનું અપૂર્વ બોધન કરે છે તો ‘ગીતગોવિંદનો ગાયક’ સાચા વૈષ્ણવનો પ્રેમ દ્રાક્ષ ને શેરડી જેવો આરોગવે મીઠો પણ ઝરવામાં સિંહણના દૂધ જેવો દુષ્કર છે.- એ સંદેશ આપે છે. આ નાટકો એક આગવી જીવનદૃષ્ટિ લઈને ભાવક સમક્ષ આવતાં હોવા છતાં એની વિશેષતા એ છે કે નાટકનાં પાત્રો, વસ્તુ કે ભાષા પર એની સહેજ પણ અનિચ્છનીય છાયા એ પડવા દેતા નથી. માળી જેમ કુંડામાં ઉછરેલા રોપને વિશાળ પૃથ્વીપટમાં રોપી દે છે એમ એ જીવનદૃષ્ટિ પીને ઉછરેલા છોડને- પાત્રને એ પછીથી આ વિરાટ સંસારના વિશાળ ફલક પર વિહરવા છૂટું મૂકી દે છે. એક વિશિષ્ટ જીવનદૃષ્ટિ લઈને કૃતિની સંભાળભરી માવજત કરતાં નાટકકારની વિશેષતા એ વાતમાં રહેલી છે કે નાટકમાં વસ્તુની પસંદગી તેમની પોતાની છે પણ ઉદેર-વિકાસ કૃતિનો એનો જ પોતાનો એમાં નિખરે છે.

જયભિખ્ખુએ નાટકોના વસ્તુની પસંદગી જ એવી કુશળતાથી કરેલી છે કે એમાં નાટ્યક્ષમ સંઘર્ષ ઉપજાવવાની પ્રબળ ક્ષમતા એમને સાંપડી રહે છે. નાટકમાં ઊભી થતી કટોકટી તથા તેના ભાવના ઉત્કલનબિંદુની સૂક્ષ્મ સમજ