પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નાટકકારે વસ્તુનિરૂપણમાં દાખવી છે. ‘રસિયો વાલમ’ યુવાન સ્થપતિ વાલમ અને રાજકુંવરી શ્રીમતી વચ્ચેના પ્રેમ અને રાણીના જાત્યાભિમાન વચ્ચે પેદા થતા કરુણ સંઘર્ષને નિર્વહે છે. તેમાં નાટ્યોચિત સંઘર્ષની પરાકોટિ રાણીએ મૂકેલ અશક્ય શરત કે વાલમના વિષપાન પ્રસંગે નહિ, પરંતુ પ્રેમીઓના તેમ જ ખુદ પોતાના મૃત્યુનું કારણ બનેલ રાણીના છલ પ્રસંગે આવે છે. આવું જ એમનાં બીજા નાટકોમાં પણ છે.

શ્રી જયભિખ્ખુની આ નાટિકાઓની સફળતાનો ઘણો યશ જેમ તેમની બલિષ્ઠ વાણીને ફાળે જાય છે તેમ તેમના જીવંત આવેશવાળા અને ચિત્રાત્મક સંવાદોને પણ ફાળે જાય છે. કથનની સરસતા અને સચોટતા આ સંવાદોનું આગવું લક્ષણ છે. નાટકકારની ઉદ્દિષ્ટ સૃષ્ટિને વાચકના ચિત્તમાં ઉપસાવવાનું અને તેની ભાવનાને હૃદયમાં ઉતારવાનું કામ સંવાદો જ કરે છે. અહીં સંવાદો દ્વારા પાત્રનું વ્યક્તિત્વ ઉઠાવ પામતું જાય છે. નાટકનું કાર્ય આગળ વધે છે અને સાથે સાથે કેન્દ્રવર્તી ભાવ કે વિચારની ગૂંચ તીવ્ર સંવેગ સાથે ઉકેલાતી આવે છે. એમના સંવાદો નીતિ, સદાચાર, સૌજન્ય અને સંતર્પણના વાહકો હોવા સાથે સ્નેહ, માનવસૌંદર્ય અને સત્યનાં સુમધુર ગીતો જેવા, સરસ સ્ત્રોત-સ્વરૂપ બન્યાં છે, અને વાણીની સમગ્ર ક્ષમતાને સંપૂર્ણપણે અભિવ્યક્ત કરતા રહ્યા છે.

વિવિધ દૃશ્યોમાં વહેંચાયેલી જયભિખ્ખુની આ નાટિકાઓનું કાઠું એકંદરે એકાંકીને મળતું આવે છે છતાં ઠેકઠેકાણે વિસ્તૃત પથરાટવાળી દૃશ્યયોજના કરીને નાટકકારે વસ્તુના પોતને થોડું પાતળું પાડી દીધું છે અને તેથી એકાંકીનું કલાવિધાન ક્યાંક શિથિલ થતું જણાય છે. આમાંથી અમુક દૃશ્યોની કાટછાંટ એકાંકીના સ્વરૂપને વધુ સઘન બનાવવા યોજાઈ હોત તો એને કારણે એકાંકીની એકલક્ષિતા સિદ્ધ થઈ શકી હોત. ‘રસિયો વાલમ’નું છેલ્લું દશ્ય, ‘નરકેસરી’નું ત્રીજું, ‘પન્નાદાઈ’નું પાચમું, ‘પતિતપાવન’નું ચોથું નાટકના મૂળ ભાવને હાનિ પહોંચાડ્યા વિના ટાળી શકાય એવાં છે. નાટકમાં જ્યાં ભૂતકાળનું કથન આવે છે ત્યાં ફ્લેશબેકનાં દૃશ્યો ઊભાં કરી સંવાદ દ્વારા વાર્તાકથનની શુષ્ક પદ્ધતિને ટાળી શકાત.