પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આરંભકાળથી પ્રયત્નની કેટલીક મર્યાદાઓ હોવા છતાં આ નાટકો ધીરુભાઈ ઠાકરના શબ્દોમાં એક આશાસ્પદ નાટકકારના ઉદયની સ્પષ્ટ પ્રતીતિ કરાવે છે. પ્રસ્તાવના : ‘રસિયો વાલમ અને બીજાં નાટકો’ : પૃ. ૧૪) આકર્ષક કથાવસ્તુ, વેગીલા અને રસભર્યા સંવાદો, સચોટ સંઘર્ષ, પ્રેરક સંસ્કારબોધન, ધ્યાનપાત્ર તખ્તાલાયકી ધરાવતાં આ નાટકો ગુજરાતી નાટ્યક્ષેત્રે જયભિખ્ખુને નોંધપાત્ર અવશ્ય કરાવે છે. શ્રી પિનાકિન ઠાકોર આ નાટકો વિષે કહે છે : ‘એમનાં આ નાટકો અન્ય સાહિત્યસ્વરૂપોની રચનાઓ સાથે સાથે એમની માર્મિકતા, સચોટતા અને લક્ષ્યવેધકતાને કારણે ગુજરાતી સાહિત્યનાં સદાયે ભરાયે જતાં પુષ્પમેળામાં પોતાની આગવી મધુર મહેક, સરસ સુંદરતા અને સંપૂર્ણ સફળતાને કારણે ચિરસ્મરણીય રહેશે.’ (પૃ. ૮૭, શ્રી ‘જયભિખ્ખુ ષષ્ઠિપૂર્તિ વિશેષાંક’, ડિસે. ૭૦.)

બધાં શાસ્ત્રો અને બધાં શિલ્પોને કલાત્મક પ્રભાવથી નાટ્યાત્મક બનાવીને તમામ કક્ષાના ભાવકો માટે સમારાધન રૂપ બનતું નાટક રસિક વિષયવસ્તુ અને અભિનયપોષક સંવાદોથી સભર હોવું ઘટે, એ મુદ્દો જયભિખ્ખુના ચિત્તમાં સતત રમમાણ રહેતો હોય એવું તો લાગે જ છે. જયભિખ્ખુ ઇતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસી છે અને સાહિત્યસર્જનમાં દૃષ્ટાનું કાર્ય કરે છે, એ પણ તેઓના અન્ય પ્રકારના સાહિત્યસર્જનની જેમ અહીં નાટકોમાં પણ પ્રતીત થાય છે. પરંતુ વિપુલ પ્રમાણના નવલકથા, ટૂંકી વાર્તા અને પત્રકારત્વને લગતાં સાહિત્યસર્જનની વચ્ચે નાટ્યસર્જનના સર્જક જયભિખ્ખુને ઓછો ન્યાય મળ્યો છે, એમ અવશ્ય કહીશું. એનો મહિમા કહીએ તો ગંગા-જમનાના મોટા પ્રવાહો તળે વહેતી સરસ્વતીના મહિમાનું જ સ્મરણ કરવું પડે છે.