પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ચરિત્ર’ અને ‘ફાર્બસ જીવનચરિત્ર’, મહીપતરામ ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’, ‘મહેતા દુર્ગારામ મંછારામ ચરિત્ર’ અને ‘પાર્વતીકુંવર આખ્યાન’ આપે છે. એમાં નર્મદે ચરિત્રસાહિત્યનો અભાવ દર્શાવી એક નવી દિશા તરફ પ્રેર્યા. મનઃસુખરામ પાસેથી પહેલું સળંગ ચરિત્રપુસ્તક ‘ફાર્બસ જીવનચરિત્ર’ મળ્યું. ચરિત્રલેખનના શરૂ થયેલા પ્રવાહને પોતાનાં ત્રણ ચરિત્રો દ્વારા મહિપતરામે આગળ ધપાવ્યો. સુધાકરયુગના આ ચરિત્રોમાં ચરિત્રનાયકના વ્યક્તિત્વનું સમગ્રાવલોકન મળતું નથી, ચરિત્રનાયકના જીવનકાર્યનું બયાન જ મુખ્યત્વે આ ચરિત્રસાહિત્યમાં મળે છે. ચરિત્રનાયકના અંગત કે કૌટુંબિક જીવનનું એટલે કે એક માનવમૂર્તિ તરીકેનું ચિત્ર આ યુગના ચરિત્રસાહિત્યમાં ઓછું જ ઊપસ્યું છે. આ ચરિત્રો મુખ્યત્વે માહિતીપ્રધાન છે, કલાકૃતિ તરીકે તેમનું મૂલ્ય અલ્પ છે.

અંગ્રેજી કેળવણીના સંપર્ક પછી ચરિત્રકારોની વિષયપસંદગીનું ક્ષેત્ર વિસ્તર્યું. પંડિત યુગમાં નવલરામ ‘કવિજીવન’, ગોવર્ધનરામ ‘નવલરામ લક્ષ્મીરામની જીવનકથા’ અને ‘લીલાવતી જીવનકલા’, ‘કાન્તિલાલ છ. પંડ્યા’ ‘શ્રીયુત ગોવર્ધનરામ વિનાયક મહેતા’, ‘નંદશંકર જીવનચરિત્ર અને બ. ક. ઠાકોર’ ‘અંબાલાલભાઈ’ આપે છે. પંડિતયુગમાં આમ ચરિત્રસાહિત્ય વિકાસ અને વૈવિધ્ય બંને સાધે છે. ચરિત્રકારની દૃષ્ટિ જીવનના અનેક ક્ષેત્રોમાં ફરી વળે છે અને ધાર્મિક પુરુષો, સમાજસુધારકો, સાહિત્યકારો, સ્વદેશસેવકો, લોકસેવકો એ સર્વને પોતાના ચરિત્રવિષયક બનાવે છે. પંડિતયુગનો ચરિત્રકાર ચરિત્રનાયકના જીવનકાર્ય ઉપરાંત એના અંગત જીવનને આલેખવા તરફ પણ વળે છે. ‘નવલરામ લક્ષ્મીરામની જીવનકથા’ જેવો ચરિત્રાત્મક અભ્યાસગ્રંથ ‘લીલાવતી જીવનકલા’ અને ‘શ્રીયુત ગોવર્ધનરામ’ જેવાં સુંદર વ્યક્તિચિત્રો અને યુગચિત્ર આપતું ‘નંદશંકર જીવનચરિત્ર’ એ પંડિતયુગની ચરિત્રસાહિત્યમાં આગવી સિદ્ધિઓ છે.

ગાંધીયુગમાં કિશોરલાલ મશરૂવાળા ‘રામ અને કૃષ્ણ’ ‘બુદ્ધ અને મહાવીર’ - ‘ઇશુખ્રિસ્ત’ અને ‘સહજાનંદ સ્વામી’, ઝવેરચંદ મેઘાણી ‘હંગેરીનો તારણહાર’ અને દયાનંદ સરસ્વતી, મહાદેવભાઈ દેસાઈ ‘વીર