પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વલ્લભભાઈ’; વિશ્વનાથ ભટ્ટ ‘વીર નર્મદ’; ક. મા. મુનશી ‘નરસૈયો : ભક્ત હરિનો’ અને ‘નર્મદ-અર્વાચીનોમાં આદ્ય’; ન્હાનાલાલ ‘કવીશ્વર દલપતરામ’; ધૂમકેતુ ‘હેમચંદ્રાચાર્ય’; વિજયરાય વૈદ્ય ‘શુક્રતારક’; દુર્ગાશંકર શાસ્ત્રી ‘પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું સંક્ષિપ્ત ચરિત્ર’ ‘સોપાન’ ‘ચલો દિલ્હી’; નરહરી પરીખ ‘મહાદેવ દેસાઈનું પૂર્વચરિત્ર’ અને ‘સરદાર વલ્લભભાઈ’, તથા ‘શ્રેયાર્થીની સાધના’ વગેરે ચરિત્રો જયભિખ્ખુની પહેલાં મળે છે, ગાંધીયુગનું આ ચરિત્રસાહિત્ય મુખ્યત્વે જનતાની અને જન્મભૂમિની, ધર્મ, સ્વદેશ, રાજકારણ, વિજ્ઞાન, ઉદ્યોગ અને કેળવણી એમ વિવિધ ક્ષેત્રોમાં સેવા અર્પનાર સ્વદેશી-પરદેશી સજ્જન સન્નારીઓને આલેખ્ય-વિષય બનાવી સર્જાય છે. આ યુગનાં ચરિત્રકારોની નિરૂપણ-પદ્ધતિમાં રસાળતા આવી છે. ગાંધીયુગનો ચરિત્રકાર સામગ્રીના સંશોધન માટે પરિશ્રમ ઉઠાવે છે. ઉપલબ્ધ સામગ્રીને વિશ્વસનીય રૂપ આપે છે.’ એણે બિનસાંપ્રદાયિક દૃષ્ટિ પણ કેળવી છે. ચરિત્રનાયકના જીવનની અલૌકિક ઘટનાઓનું એ બૌદ્ધિક ભૂમિકા ઉપર અર્થઘટન કરાવે છે. પોતાના ચરિત્રનાયક તરફ એને સમભાવ જરૂર છે. પણ છતાં એકંદરે એના આલેખનમાં સત્યનિષ્ઠાથી એ ચલિત થતો નથી. આ યુગના ચરિત્રકારો નિરૂપણમાં કલામયના લાવીને જીવનકથા પણ નવલકથા જેટલું જ લોકપ્રિય સાહિત્યસ્વરૂપ બની શકે એ વાતની પ્રતીતિ કરાવે છે.

જયભિખ્ખુ પહેલાં આમ ચરિત્રસાહિત્ય સારા એવા પ્રમાણમાં સર્જાયું છે. એમાં વિશ્વનાથ મ. ભટ્ટનું ‘વીર નર્મદ’ તો ચરિત્રસાહિત્યનો ઉમદા આદર્શ પૂરો પાડે એવી કૃતિ બની છે. જયભિખ્ખુ પણ આવા માતબર સાહિત્યસ્વરૂપમાં પોતાનું યથાશક્તિ યોગદાન કરે છે. જયભિખ્ખુ પાસેથી આપણને ત્રેવીસ જેટલાં ચરિત્રગ્રંથો પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળામાં કેટલાક બાલભોગ્ય, ટૂંકા અને પ્રેરક ચરિત્રો તેઓ આપે છે. ‘ચરિત્રને ઘડે તે ચરિત્ર’ એવા ચોક્કસ દૃષ્ટિકોણને લઈને રચાયેલા જયભિખ્ખુના આ ચરિત્રો સર્જકની પ્રસંગજમાવટની કલાથી અને રસળતી શૈલીથી આગવાં બની રહ્યાં છે.

જયભિખ્ખુનાં આ ચરિત્રસાહિત્યમાં જૈન સાધુઓને ચરિત્રનાયકપદે