પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સ્થાપીને લખાયેલાં ત્રણ ચરિત્રો મળે છે. જેમાં ‘શ્રી ચરિત્રવિજયજી’ ‘ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી’ અને ‘યોગનિષ્ઠ આચાર્ય’નો સમાવેશ થાય છે. આ ચરિત્રોની ઊડીને આંખે વળગતી વિશેષતા એ છે કે ચરિત્રકારે એમાંથી સાંપ્રદાયિક પરિભાષાને ખૂબ ઓછી કરી નાખી છે. જયભિખ્ખુ પહેલાં રચાયેલા જૈન સાધુઓના ચરિત્રોમાં સાંપ્રદાયિક પરિભાષા, ધાર્મિક ક્રિયાકાંડો વગેરેની વિગતો એટલા મોટા પ્રમાણમાં આવતી કે જૈનેતરોને એને કારણે એમાં રસક્ષતિ થતી. ઘણીવાર તો એ સાંપ્રદાયિક શબ્દોના અર્થઘટન પણ સામાન્ય જનને સુલભ ન થતાં. વળી ચરિત્રકારો મોટે ભાગે આવા જૈન સાધુઓનું વિરલ વિભૂતિ તરીકેનું જ ચિત્ર ઉપસાવતા, જેની તરફ અહોભાવ થતો. પ્રેમ કે પ્રેરણા એમાંથી ન સાંપડતા. જૈન સાધુઓના આવી પરિભાષામાં રચાયેલાં ચરિત્રોમાં જયભિખ્ખુએ પ્રથમ વાર જ પરિવર્તન આણ્યું. એમણે એમનું વ્યક્તિ તરીકે ચિત્ર ઉપસાવ્યું. એને કારણે એમનાં નવાં ચરિત્રોમાં જીવંતતા આવી. વળી આ ચરિત્રોની ભાષા સાંપ્રદાયિક તત્ત્વને ઓગળી લોકગમ્ય પ્રવાહિતા લાવ્યા. ચરિત્રનાયકના માનવ તરીકેના વ્યક્તિત્વનો ઉઠાવ અપાવાને કારણે એમનાં આવાં ચરિત્રો સર્વજનભોગ્ય બન્યાં. જૈન સાધુઓનાં ત્રણ ચરિત્રોમાં સૌથી વિશેષ નોંધપાત્ર બની રહ્યું છે ‘યોગનિષ્ઠ આચાર્ય’. એમાં એમણે ૧૦૮ ગ્રંથોના રચયિતા આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વર વિષે વિગતે ચરિત્રચિત્રણ કર્યું છે. આ ચરિત્રમાં આરંભે ચરિત્રનાયકના જન્મ સમયની પરિસ્થિતિ, જન્મસ્થળનું વર્ણન અને ત્યારબાદ માતા-પિતા વિષે તેઓ વાત કરે છે. નવલકથા જેવી રસાળ શૈલીમાં રચાયેલું આ ચરિત્ર વીસમી સદીના પૂર્વાર્ધનો સામાજિક ઇતિહાસ પણ બતાવે છે. એમાં ચરિત્રકારે કરેલું લોકજીવનનું આલેખન તથા સુંદર પ્રકૃતિવર્ણન ચરિત્રકારજયભિખ્ખુ ની નોંધપાત્ર સિદ્ધિ છે. જૈન સાધુઓનાં જીવન પર રચાયેલાં ચરિત્રોમાં આ ચરિત્ર મોખરાનું સ્થાન ધરાવે છે.

ભગવાન મહાવીર વિષે લખાયેલાં ચરિત્રોમાં જયભિખ્ખુનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ અને ‘ભગવાન મહાવીર’ (સચિત્ર) જૈન-જૈનેતરોમાં સૌથી વધુ લોકપ્રિય બનેલાં ચરિત્રો છે. સામાન્ય રીતે તીર્થંકરોનાં ચરિત્રમાં પરિભાષા અને રૂઢ લઢણ જાણીતી છે, પણ જયભિખ્ખુ એનાથી મુક્ત રહ્યા