પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 

હરગોવિંદદાસ કાંટાવાળાએ ‘અંધેરી નગરીનો ગર્ધવસેન’ (ઈ.સ. ૧૮૭૯), કેશવલાલ પરીખે ‘રૂઢિ અને બુદ્ધિની કથા’ અને ઇચ્છારામ સૂર્યરામ દેસાઈએ ‘હિંદ અને બ્રિટાનિયા’ (ઈ. સ. ૧૮૮૫) જેવી સામાજિક, કાલ્પનિક કે ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી નવલકથાઓ આપી છે.

‘કરણઘેલા’માંથી જ પ્રેરણા મેળવીને મહીપતરામ નીલકંઠ ‘સધરા જેસંગ’ ઈ. સ. ૧૮૮૦માં અને ‘વનરાજ ચાવડો’ ઈ. સ. ૧૮૮૧માં લખી. આ પહેલાં શ્રી અનંતપ્રસાદ વૈષ્ણવે ‘રાણકદેવી’ ઈ. સ. ૧૮૭૯માં આપી. અલબત્ત, આ કથાઓ કલ્પનાના મિશ્રણવાળી સામાન્ય કક્ષાની ઐતિહાસિક નવલકથાની ચોક્કસ વિભાવના વગર લખાયેલી નવલકથાઓ છે.

નર્મદયુગની ‘કરણઘેલો’ અને ‘સાસુ-વહુની લડાઈ’ એ બંને નવલકથાઓના પ્રકાશને ગુજરાતી નવલકથાના વિકાસ માટે સ્પષ્ટ રીતે બે માર્ગો ખુલ્લા કરી આપ્યા છે. એક ઐતિહાસિક અને બીજો સામાજિક નવલકથા સર્જનનો. એમાં ય તે ઐતિહાસિક નવલકથાઓ લખવા તરફ લેખકો વધુ વળેલા છે.

ઈ. સ. ૧૮૮૭માં લખાયેલી ગૌવર્ધનરામ ત્રિપાઠીની ‘સરસ્વતીચંદ્ર’ નવલકથા નવલક્ષેત્રે નોંધપાત્ર પ્રસ્થાન કરે છે. ગાંધીજી પૂર્વે ગુજરાતી પ્રજાના સંસ્કાર-ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપતી આ નવલકથામાંથી ઈ. સ. ૧૮૮૫ની આસપાસના સંસ્કૃતિકાળનું આર્ષ-દૃષ્ટિયુક્ત દર્શન પ્રાપ્ત થાય છે. આપણી ગુજરાતી નવલકથાઓ વિકાસલક્ષી અભ્યાસ કરનારે એની સામગ્રીના વૈવિધ્યના સામર્થ્યનો અભ્યાસ કરવો હોય તો ‘સરસ્વતીચંદ્ર’ જેવા આકાર ગ્રંથને જ સૌ-પ્રથમ અભ્યાસ-નિમિત્ત બનાવવો જોઈએ. સમાજ, શિક્ષણ, સંસ્કાર, સાહિત્ય, ધર્મ અને રાજકારણ જેવાં વિવિધ અંગોના વૈવિધ્યનો અનુભવ આ આકર ગ્રંથમાં થાય છે. ગોવર્ધનરામે ચિંતનના ખંડો પણ આગવી રીતે નવલકથામાં સમાવિષ્ટ કર્યા છે. આ ચિંતન કથારસની ઉપરવટ જઈને ક્યારેક તો નવલકથાના કલાતત્ત્વને આઘાત આપીને પણ, પોતાનું પ્રભુત્વ સિદ્ધ કરે છે. એનું સારતત્ત્વ કૃતિમાંથી પ્રગટતા જીવનદર્શનની પ્ર-સિદ્ધિ સાથે સંકળાયું છે અને એમ કરવામાં જ નવલકથાની ઇતિશ્રી છે, એમ ગોવર્ધનરામ માને છે – પ્રમાણે છે.