પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


માર્મિક આલેખન કર્યું છે. મુખ્યત્વે કિશોરોને ધ્યાનમાં રાખીને આ ચરિત્રો જયભિખ્ખુએ લખ્યાં હોવાથી એમની દૃષ્ટિ પ્રસંગોની ખિલવટ ઉપર વિશેષ રહી છે. ગુજરાતની અસ્તિમતાના આ ત્રણ ઘડવૈયાઓનાં ચરિત્ર કિશોરો હોંશે હોંશે વાંચે, એમાંથી આગવી રીતે જીવનપ્રેરણા મેળવે એવા બન્યાં છે. શ્રી ક. મા. મુનશીએ પોતાની નવલોમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ધર્મપરાયણ મંત્રી ઉદા મહેતાનું ચિત્ર થોડું વિકૃત બનાવ્યું છે. એને લોભી અને જડ ધર્મપ્રેમી બતાવ્યો છે. જૈન ધર્મ તરફનું ઉદા મહેતાનું વલણ આ નવલમાં વિકૃત ધર્મપ્રેમી માણસ તરીકેનું ઊપસ્યું છે. ઐતિહાસિકતાની દૃષ્ટિએ મુનશીએ આ પાત્રને થોડું વિકૃત બનાવ્યું છે. જ્યારે જયભિખ્ખુ પોતાના ઉદા મહેતાના ચરિત્રમાં ઉદા મહેતાનું જે વ્યક્તિત્વ ઉપસાવે છે તે એક ઉદાર ધર્મપ્રેમી માનવી તરીકેનું છે. આવું ચરિત્ર લખવા પાછળનો ચરિત્રકારનો આશય ગુજરાતના યુવાનને એક ઉમદા ચરિત્રનો આદર્શ પૂરો પાડવાનો છે.

એવી જ રીતે ‘સિદ્ધરાજ જયસિંહ’માં જયભિખ્ખુએ ગુજરાતના સુવર્ણયુગના મહાન અને સમર્થ રાજવીના ઉમદા ચરિત્રને પ્રગટ કર્યું છે. કથાવાર્તાનો રસ જમાવવા જતાં ઘણાં નાટકો, નવલકથાઓ અને ચિત્રપટોએ ગુજરાતના આ સંસ્કૃતિધર રાજવીના ચરિત્રને વિકૃત બનાવી દીધું છે. ચરિત્રકાર આ ચરિત્રમાં એની વિકૃતિને દૂર કરીને, જૂની દંતકથાઓનાં જાળાં-વાળાં ઝપટી નાખીને સુવર્ણયુગના આ મહાન ચક્રવર્તીના ઉજ્જવલ ચરિત્રને દર્શાવે છે. ચરિત્રકારે ઇતિહાસનો આધાર લઈને બતાવ્યું છે કે રાણકદેવી તરફ સિદ્ધરાજની કૂડી નજર નહોતી, અને જસમાનું પાત્ર તો સાવ કલ્પિત છે. તેઓ આ ચરિત્રની પ્રસ્તાવનામાં કહે છે ‘મેં બને તેટલા ઇતિહાસોમાંથી સત્ય તારવવા પ્રયત્ન કર્યો છે. અર્ધસત્યો ને અસત્યોથી દૂર રહેવા યથાશક્ય યત્ન કર્યો છે. ધર્મઝનૂનથી લખાયેલી વસ્તુઓને બને તેટલી ગળી નાખી છે.’ (‘વડ અને વડવાઈ’, પૃ. ૬). આમ આ ચરિત્રોમાં જયભિખ્ખુએ જે તે ચરિત્રનાયકને ઐતિહાસિક ન્યાય મળે એવો પ્રયત્ન કર્યો છે. અને એ દ્વારા મુનશીની જેમ ગુજરાતના ગૌરવને પ્રજા સમક્ષ ઉપસાવી આપ્યું છે.