પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શૈલીમાં જે તે વ્યક્તિનાં સુરેખ અને ચોટદાર ચરિત્રો જયભિખ્ખુએ ઉપસાવ્યાં છે. એમાં સર વિઠ્ઠલભાઈનું મુત્સદ્દીપણું અને એમનામાં થતો સમન્વય ચરિત્રકારે સુપેરે આલેખ્યાં છે, તો ‘બાબુ રાજેન્દ્રપ્રસાદ’ બિહારના ભૂકંપ વખતે માંદગીના બિછાને હોવા છતાં અસરગ્રસ્તોની જે સેવા બજાવી એને વર્ણવે છે. મહાદેવ ગોવિંદ રાનડેના ચરિત્રમાંથી ચરિત્રકારે ચરિત્રનાયકની ન્યાયપ્રિયતાને અને ગોપાલકૃષ્ણ ગોખલેના ચરિત્રમાંથી ગોખલેની દેશભક્તિની ભાવનાને સુરેખ રીતે ઉપસાવી છે.

આવી જ રીતે શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે આગવી સેવા આપી સમાજ માટે પથદર્શક બનેલા ઘોંડે કેશવ કર્વે, ત્રિભુવનદાસ ગજ્જર, પં. વિષ્ણુ દિગંબર, શ્રી ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર, શ્રી મોતીભાઈ અમીન, સર ટી. માધવરાવ વગેરેનાં ચરિત્રો પણ પ્રમાણભૂત રીતે એમણે આલેખ્યાં છે. એ જમાનામાં બંડખોરનું મંડળ સ્થાપનાર અને પુનર્વિવાહ ઉત્તેજન મંડળની સ્થાપના દ્વારા સામાજિક ચેતના જગાડનાર ઘોંડે કેશવ કર્વેનું કસાયેલું પરોપકારી વ્યક્તિત્વ, વનસ્પતિશાસ્ત્રમાં ઊંડું સંશોધન કરનાર શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજિત, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિને પ્રાણપણે વિકસાવનાર શ્રી મોતીભાઈ અમીન, પ્રો. રામમૂર્તિ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર વગેરેનાં ચરિત્રો યાદગાર અને જીવંત રીતે ઉપસાવી આપ્યાં છે. ગુજરાતમાં શિક્ષણ અને સંસ્કારક્ષેત્રે અનોખું પ્રદાન કરનાર સયાજીરાવ ગાયકવાડને ચરિત્રકારે ‘ઊગહતા પહોરમાં યાદ કરવા જેવા માણસ’ તરીકે ઓળખાવી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણક્ષેત્રે, બાલકલ્યાણ અને કલાશિક્ષણ માટે એમણે કરેલી પ્રવૃત્તિઓને નાનકડા ચરિત્રમાં બિરદાવી છે.

સમાજસેવકો અને શિક્ષણકારોની જેમ સાહિત્યકારો અને ચિત્રકારોનાં ઉજમાળાં વ્યક્તિચિત્રો પણ આ ચરિત્રોમાં જયભિખ્ખુએ આપ્યાં છે. નર્મદ, ગોવર્ધનરામ, નાનાલાલ, હિન્દી સાહિત્યકાર મહાવીર પ્રસાદ દ્વિવેદી, બંગાળી નવલકથાકાર શરદબાબુ, સુખ્યાત ચિત્રકાર રવિ વર્માને જયભિખ્ખુની રસળતી કલમે જીવંત રૂપ આપ્યું છે. એમાં ય તે રાજકુટુંબો સાથે લોહીના સંબંધોથી જોડાયેલા, રંગપેટીના ખેલંદા ને ત્રાવણકોરનાં