પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંખ્યાની દૃષ્ટિએ જયભિખ્ખુના સમગ્ર સર્જનમાં લગભગ ચોથો ભાગ રોકતું આ ચરિત્રસાહિત્ય આટલા વિપુલ પ્રમાણમાં સર્જીને જયભિખ્ખુએ સંસ્કારધર્મી સાહિત્યકાર તરીકેના વ્યક્તિત્વની પ્રતીતિ કરાવી છે. બીજા બધા સાહિત્ય પ્રકારોના પ્રમાણમાં આ સાહિત્યપ્રકાર નૈતિક અસર વિશેષ કરે છે અને આવા નૈતિક અસર વિશેષ ઉપજાવતા સાહિત્યસ્વરૂપમાં વધારે ખેડાણ કરીને જયભિખ્ખુએ સંસ્કારઘડતરની સેવા સારા પ્રમાણમાં કરી છે. એમના આ ક્ષેત્રમાંના પ્રદાનના સંદર્ભમાં એમને અવશ્યપણે આપણે ‘જ્યોતિર્ધર’ કહી શકીએ. આપણે આ પ્રકરણમાં આરંભે જોયું છે તેમ દરેક માનવીના આત્મામાં એવું તત્ત્વ રહેલું છે જે તેનામાં ઉદાત્ત આકાંક્ષા પ્રેરે છે. ચરિત્રસાહિત્યનું વાચન આ તત્વને પોષે છે. કોઈ એક વ્યક્તિના જીવન, ચરિત્ર અને સિદ્ધિઓ વિશે વાંચતા જે વિશિષ્ટ ગુણોએ, જે સદ્ અંશોએ એ વ્યક્તિને મહાન બનાવી, જે ગુણોને લીધે તેણે પોતાની મુશ્કેલીઓનો હિંમત અને ધૈર્યથી સામનો કર્યો અને તેમના ઉપર વિજય મેળવ્યો એ સર્વ વાચક ચરિત્ર દ્વારા જાણે છે. આ બધું અનુભવ-નિવેદન સત્યકથન હોવાથી તથા ઉપદેશ કરતાં આચરણનો વિશેષ પ્રભાવ પડતો હોવાથી ચરિત્રગ્રંથ કલ્પિત કથાઓ કરતાં વધારે અસરકારક અને ચોટયુક્ત બને છે. ભાવકના મન ઉપર એ વ્યક્તિવિશેષના સગુણાનો પ્રબળ પ્રભાવ પડે છે. અને એ મહાનુભાવ વ્યક્તિને પોતાનાં મનઃચક્ષુ સમક્ષ રાખીને ભાવક પોતાના ભાવિ જીવન માટે માર્ગદર્શન મેળવી, પોતાની જાતનું ઘડતર કરવા પ્રયાસ કરે છે. ચરિત્રસાહિત્યનો આવો કલ્યાણકારી પ્રભાવ હોવાથી જ જયભિખ્ખુએ વિશેષ પ્રમાણમાં આ સાહિત્ય આપ્યું છે અને એમના સાહિત્યના પ્રચાર અને લોકપ્રિયતાએ એ સિદ્ધ પણ કરી આપ્યું છે કે જયભિખ્ખુ સંસ્કાર પ્રસારણના ક્ષેત્રે નોંધનીય કામગીરી કરી શક્યા છે.

આ ચરિત્રો એ વાતની પણ આપણને પ્રતીતિ કરાવે છે કે પોતાના ચરિત્રવિષયક સંબંધી સામગ્રી સંશોધિત કરવામાં તેઓએ ઠીક પરિશ્રમ ઉઠાવ્યો છે. સર્વ ઉપલબ્ધ સામગ્રીમાંથી વિવેકયુક્ત તારવણી કરી વિશ્વસનીય વિગતો મેળવે છે, અને એને રસયુક્ત બાનીમાં અભિવ્યક્ત કરે છે. ચરિત્રકાર જયભિખ્ખુ બિનસાંપ્રદાયિક છે એ એમના વિવિધ ધર્મોનાં ચરિત્રો