પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૫
 

 નવલકથાનું જીવનદર્શન ગુજરાતી નવલકથામાં અનિવાર્ય બની જાય, છેક આજ દિન સુધી નવલકથાનાં ઘટકતત્ત્વોમાં એની નોંધપાત્રતા ટકી રહે અને કથન-વર્ણન-સંવાદનાં વિવિધલક્ષી આલેખનોમાં એનું પ્રાગટ્ય મહિમાવાન બનતું રહે - એવી પરંપરા ગુજરાતીની પહેલી માતબર પ્રશિષ્ટ નવલકથા ‘સરસ્વતીચંદ્ર’થી વિશિષ્ટ રીતે સિદ્ધ થઈ - એ મુદ્દો અહીં નોંધપાત્ર બને છે. ‘સરસ્વતીચંદ્ર’ પછીની નવલકથાઓમાં મુનશી, રમણલાલ, ઈશ્વર પેટલીકર, પન્નાલાલ, દર્શક, રઘુવીર ચૌધરી વગેરે સર્જકોએ એક યા બીજી રીતે ‘જીવનદર્શન’નાં અર્થઘટનોને પોતાની રીતે અર્થવાન બનાવ્યાં છે.

‘સરસ્વતીચંદ્ર’ નવલકથાની અસર અનુગામી નવલકથાઓ ઉપર ઘેરા રૂપે થઈ છે. ‘સરસ્વતીચંદ્ર’ની જ અસર રૂપે શ્રી ભોગીન્દ્રરાવ દિવેટીયા ‘ઉષાકાન્ત’, ‘મૃદુલા’ અને ‘મોહિની’ જેવી સામાજિક નવલો આપે છે. આ ઉપરાંત ‘ગુજરાતી’ અને ‘પ્રજાબંધુ’ વગેરે સાપ્તાહિક પત્રોની વાર્ષિક ભેટો દ્વારા પણ સામાજિક અને ઐતિહાસિક નવલો મળતી રહે છે. લગભગ ઈ. સ. ૧૯૦૮ના અરસામાં અમદાવાદમાં સ્થપાયેલી ‘બંધુ સમાજ’ સંસ્થાએ ‘સુંદરી સુબોધ’ માસિક દ્વારા લગ્ન અને સ્ત્રીશિક્ષણના કેટલાક પ્રશ્નો ચર્ચતી નવલકથાઓ પણ રચી છે. રામમોહનરાયે ‘બાલા’ તથા ‘યોગિની’ અને શિવુભાઈ દૂરકાળે ‘પદ્મનાભ’ ‘અલક્ષ્ય જ્યોતિ’ જેવી નવલકથાઓ ગોવર્ધનરામના પ્રભાવબળે રચી છે. ન્હાનાલાલની પહેલાં ‘અલભ્ય જ્યોતિ’માં શ્રી દૂરકાળે આત્મલગ્નની ચર્ચા કરી છે.

આ ગાળાના લેખકોમાં શ્રી નારાયણ વસનજી ઠક્કુર પણ નોંધપાત્ર છે. તેમણે આપેલી ઐતિહાસિક નવલકથાઓમાં સમય, સ્થળ અને પ્રસંગની બહુવિધતા સારી છે. એમણે નવલો લખવા માત્ર ગુજરાતમાં જ નહિ, પણ રાજસ્થાનના, ઉત્તરહિંદના સિંધ, કચ્છ, બંગાળ અને મહારાષ્ટ્રના ઇતિહાસનો પણ ઉપયોગ કર્યો છે. એમની લેખનપદ્ધતિમાં સ્કોટ શૈલીના અંશો જણાય છે. તેમણે આપેલી પચ્ચીસેક નવલોમાં ‘પ્લાસીનું યુદ્ધ’, ‘રઝિયા બેગમ’, ‘પદ્મિની’, ‘ચૂડેલનો વાંસો’ વગેરે નિવડેલી લોકપ્રિય નવલો છે. તેમનું પાત્રવિધાન મોટે ભાગે શાસ્ત્રીય ચોકઠામાં જડેલું હોય છે. મણિલાલ છબારામ ભટ્ટે પણ કેટલીક નવલો આપી છે જેમાં ‘ઝાંસીની રાણી’ અને ‘પૃથુરાજ’ એ બે ઉલ્લેખનીય છે.