પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જોતાં જણાય છે. પોતાના ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર‘ જેવાં ચરિત્રોમાં અલૌકિક ઘટનાઓનું બૌદ્ધિક ભૂમિકા ઉપર અર્થઘટન કરાવે છે. તો ‘સિદ્ધરાજ જયસિંહ’ કે ‘ઉદા મહેતા’ના ચરિત્રોમાં પ્રવેશી ગયેલી દંતકથાઓને દૂર કરીને ચરિત્રનાયકોનાં પ્રમાણભૂત અને ઇતિહાસસિદ્ધ ચરિત્રો પણ ઉપસાવી આપે છે. એકંદરે એમને પોતાના ચરિત્રનાયકો તરફ સમભાવ છે. પણ એના નિરૂપણમાં તેઓ સત્યનિષ્ઠામાંથી ચલિત થતા નથી. ઘણાં ખરાં ચરિત્રોમાં જયભિખ્ખુ ચરિત્રનાયકના જીવન અને કાર્યનું સમતોલ મૂલ્યાંકન કરાવી નિરૂપણમાં કલાત્મકતા પણ લાવે છે.

એમનાં ટૂંકા ચરિત્રોની એક લાક્ષણિકતા એની આલેખનરીતિ પરત્વે જોવા મળે છે. પહેલાં તેઓ કોઈ પણ એક પ્રસંગથી ચરિત્રનો પ્રારંભ કરે છે, એ પ્રસંગના આલેખન દરમિયાન ચરિત્રનાયકનું નામ જણાવતા નથી, પ્રસંગ પૂરો થાય ત્યારે ચરિત્રનાયક કોણ હતા એની વિગત આપતાં તે કહે છે. ‘આ તોફાની છોકરો તે નરેન્દ્ર, તે જ સ્વામી વિવેકાનંદ’ એ પછી ચરિત્રનાયકના જન્મની, માતા-પિતા, કેળવણી અને પ્રવૃત્તિની વિગત આપીને એના જીવનના મહત્ત્વના પ્રસંગો રજૂ કરે છે.

એમનાં ચરિત્રોમાં જૈન સાધુઓનાં જે ચરિત્રો આપ્યાં છે એમાં જે તે સાધુનું ‘માનવ’ તરીકેનું એમણે જે નિરૂપણ કર્યું છે તેને કારણે તથા એમાંની સાંપ્રદાયિક પરિભાષાને ઓગાળી કાઢીને જે રસળતું છતાં પ્રમાણભૂત ચિત્રણ કર્યું છે તેને કારણે જુદાં તરી આવે છે. એમનાં પહેલાં આવાં ચરિત્રો રચાતાં જે મોટે ભાગે સંપ્રદાય પૂરતાં જ મર્યાદિત બની રહેતાં, એનો હેતુ માત્ર સંપ્રદાયની વ્યક્તિઓને ઉપદેશ, જ્ઞાન કે માહિતી આપવાનો રહેતો. જયભિખ્ખુએ આ ચરિત્રોમાંથી સાંપ્રદાયિક પરિભાષા દૂર કરીને એને જૈન- જૈનેતરોમાં લોકપ્રિય બનાવ્યાં. આમ છતાં આ ચરિત્રો જયભિખ્ખુના જૈન ધર્મના પ્રમાણભૂત જ્ઞાનનો પરિચય કરાવવાનું પણ ચૂકતા નથી એ તેની વિશેષતા છે.

આ ચરિત્રો એવી પણ પ્રતીતિ કરાવે છે કે વાસ્તવિક સત્ય કલ્પિત સત્ય કરતાં સહેજ પણ મોળું નથી. વળી ચરિત્રકારે ટૂંકા ચરિત્રોમાંથી