પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રાસંગિકતાને ગાળી નાંખી હોવાથી તે ભાવકને ચોક્કસ રીતે સ્પર્શી જાય છે. જયભિખ્ખુની કલમમાં એવી સંજીવની છે કે કોઈ પણ વિગત જડ, નિર્જીવ કે કઠોર રહેતી નથી.

જયભિખ્ખુનાં આ ચરિત્રોને રસળતાં બનાવવામાં એમની ગદ્યશૈલીએ પણ સારો ફાળો આપ્યો છે. ચરિત્રકારની ગદ્યશૈલી પાત્રના સ્વભાવની કોમળતા, કઠોરતા, સંવેદનની તીવ્રતા, વિચારની ભવ્યતા કે મિજાજની ખુમારીને સુપેરે પ્રગટાવે છે. શિષ્ટતા, વેગ, ઉત્કટતા, ગાંભીર્ય અને ચિત્રાત્મકતા એ એમની શૈલીના ગુણો છે.

ટૂંકમાં, નવલકથા, ટૂંકી વાર્તાની જેમ વિશાળ પટ પર પથરાયેલું જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય પણ સારું એવું સત્વવંતુ છે. પ્રત્યેક ચરિત્રગ્રંથ પર લેખકના વ્યક્તિત્વની દૃઢ છાપ પડેલી છે.

ચરિત્રકારમાં હોય એવા સ્વાભાવિક ગુણો સત્યશોધ અને સમભાવયુક્ત ચલણવલણનું તેજ જયભિખ્ખુની કલમમાંથી સતત પ્રગટતું અને પ્રમાણાતું જોવા મળે છે એ શોધ અને સમભાવનું સંયોજન ચરિત્રનાયકના વ્યક્તિત્વને પારદર્શક રીતે રજૂ કરે છે અને એને પરિણામે ચરિત્રકારની શૈલીનો લાભ ભાવકચિત્તને પણ પ્રસન્ન કરે છે.