પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભારતના સંતો, મહાપુરુષો, શહીદો અને રાજપુરુષોના જીવનરંગો આલેખતાં ટૂંકા પણ પ્રમાણભૂત અને પ્રેરક ચરિત્રો છે તેમ ભારતનાં સંસ્કારતીર્થોનો પરિચય કરાવી તેમની દૃષ્ટિને વિશાળ કરવામાં અને એમનામાં માતૃભૂમિ પ્રત્યે મમત્વ પેદા કરવામાં મદદરૂપ બને એવું સાહિત્ય પણ છે.

જયભિખ્ખુના કુલ સર્જનના ત્રીજા ઉપરાંતના ભાગના આવા સાહિત્યમાં મુખ્યત્વે ‘રત્નનો દાબડો’ ‘હીરાની ખાણ’ ‘મીઠી માણેક’ ‘પાલી પરવાળા’ ‘નીલમનો બાગ’ ‘માણુ મોતી’ ‘આંબે આવ્યા મોર’, ‘ચપટી બોર’, ‘નીતિકથાઓ ભા. ૧, ૨, ૩, ૪’, ‘દિલના દિવા’, ‘દેશના દીવા’, ‘દેવના દીવા’ ‘દેરીના દીવા’ ‘દીવેદીવા’ ‘બાર હાથનું ચીભડું ભા. ૧-૨’, ‘તેર હાથનું બી ભા. ૧-૨’ ‘છૂમંતર’ ‘બકરી બાઈની જે’ ‘નાનો પણ રાઈનો દાણો’ ‘શૂરાને પહેલી સલામ’ ‘ફૂલપરી’ ‘ગરુડજીના કાકા’ ‘ગજમોતીનો મહેલ’ ‘ઢ માંથી ધુરંધર’ ‘મા કડાનું મંદિર’ ‘હિંમતે મર્દા’ ‘ગઈ ગુજરી’ ‘માઈનો લાલ’ વગેરે ઉપરાંત વિદ્યાર્થી વાચનમાળા શ્રેણી ૧ થી ૧૦માંનાં છાસઠ ચરિત્રો, ‘પ્રતાપી પૂર્વજો' ભાગ ૧ થી પમાંની ચરિત્રગ્રંથિકાઓ અને સદ્‌વાચનમાળા શ્રેણી ૧ થી ૬માંની વિવિધ પ્રેરકકથાઓને સમાવતી પુસ્તિકાઓનો સમાવેશ થાય છે.

બાળકો આપણાં ભાવિ પ્રજાજનો છે અને ભાવિ પ્રજાજીવનને ઉન્નત બનાવવું હોય તો બાળકોમાં શુભ સંસ્કાર પડે એવું સાહિત્ય એમને માટે રચાવું જોઈએ. માત્ર સદાચારનાં પૂતળાં બનાવે એવા નીતિબોધના પાઠોરૂપે કે પુરાણના કથાવસ્તુના થોડા ફેરફાર કરી વાર્તારૂપે બોધ આપવાના પ્રયત્નો કરવાને બદલે બાલસ્વભાવમાં રહેલી અનુકરણવૃત્તિ, જિજ્ઞાસા અને કલ્પનાશક્તિ તથા મહત્ત્વાકાંક્ષાને સંતોષે, બાળકોમાં રસ પડે, તેમના જીવનમાં ઉત્સાહ આવે અને તેઓ નિર્દોષ આનંદનો અનુભવ કરે એવા પ્રકારનું બાલસાહિત્ય જયભિખ્ખુએ વિપુલ પ્રમાણમાં આપ્યું છે.

નાનાં બાળકોને ઊંચી પ્રેરણા મળે એ હેતુથી જયભિખ્ખુએ દીપક શ્રેણીની યોજના કરી એ યોજના હેઠળ એમણે ‘દેવના દીવા’ ‘દિલના દીવા’ ‘દેવના દીવા’ ‘દેરીના દીવા’ અને ‘દેશના દીવા’ એ પાંચ પુસ્તકોનો સંપુટ આપ્યો. મોટે ભાગે ‘ઝગમગ’ બાળવાર્તા સાપ્તાહિકમાં પ્રગટ થયેલી આ