પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ભગવાન વિષ્ણુનો રથ હાંકનાર ગરુડજીને ત્યાં આવેલા તેના કામ કરવામાં આળસુ એવા કાકાના મનમાં જાગેલી પોતાના મૃત્યુ વિષે જાણવાની ઇંતેજારીની કથા વર્ણવાઈ છે. મૃત્યુનો દિવસ જાણવા માટે ગરુડ એમને લઈને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ત્યાંથી વિષ્ણુની સાથે તેઓ બ્રહ્માજી પાસે, વિધાત્રી પાસે અને છેવટે ચિત્રગુપ્ત પાસે પહોંચે છે ત્યારે જાણવા મળે છે કે ગરુડજીના કાકાનું મૃત્યુ આ બધા એકસાથે ભેગા મળે ત્યારે નિર્માયું હતું અને એ રીતે યમરાજાના હાથમાં તેઓ ઝડપાઈ જાય છે. જે માણસ કામ કરતો નથી એને માણસ ખાઈ જાય છે એ ધ્વનિની સૂચક આ વાર્તામાં વર્તમાન સમયે શેઠ અને નોકર વચ્ચે કામ કરવા-કરાવવા સંદર્ભે પ્રવર્તતા મત-મતાંતરોને પણ હળવા કટાક્ષ સાથે વાર્તાકારે વણી લીધા છે. જ્યારે ‘શ્રમનો મહિમા’ વાર્તા શ્રમના મહિમાને વર્ણવે છે. માણસ ધારે તો ગમે તેવું અઘરું કામ પાર પાડી શકે છે તે ચીનની ઐતિહાસિક દીવાલની રચના કેવા કપરા સંજોગોની વચ્ચે થઈ હતી તેના વાર્તારૂપ નિરૂપણ દ્વારા સર્જકે બતાવ્યું છે. ખાસ કરીને બાળકો અને પ્રૌઢોને લક્ષમાં રાખીને લખાયેલી આ શ્રેણીની વિવિધ વાર્તાઓમાંની ભાષા સરળ છે અને એનું નિરૂપણ રસિક છે. ધ્વનિની ઉત્કૃષ્ટતા અને રજૂઆતની કુશળતાની દૃષ્ટિએ આ શ્રેણીની બધી વાર્તાઓમાં ‘ગરુડજીના કાકા’ ચડિયાતી છે.

જે સમયે સમાજના વડેરાઓ બાળસંસારમાં ઉપયોગી એવા નીતિશિક્ષણ પ્રત્યે બેજવાબદાર બનવા માંડ્યા હતા એવા સમયે બાળકોમાં નાનપણથી નીતિ અને ધર્મના સંસ્કારો અને સદાચારની ભાવના દૃઢ થાય એ હેતુને પૂરક એવી નીતિકથાઓ જયભિખ્ખુએ લખી છે. મોટે ભાગે પ્રસંગાત્મક સ્વરૂપની આ નીતિકથાઓના ચાર ભાગમાં કુલ ૨૨ વાર્તાઓ સાંપડે છે. એમાં ‘મધુબિંદુ’ ‘આંધળો હાથી’ ‘દેહને દાપુ’ ‘સાચી પૂજા’ ‘સંતોનો સંઘ’ પહેલા ભાગની, ‘અન્ન તેવો ઓડકાર’ ‘નાનો ને મોટો’ ‘ચાર રત્નો’ ‘કઠિનમાં કઠિન કામ’ ‘માણસના ચાર પ્રકાર’ બીજા ભાગની, ‘મનનાં કારણ’ ‘વશીકરણ’ ‘વરસાદ કેમ વરસે’ ‘ઘર કરતા ધર્મશાળા સારી’ ત્રીજા ભાગની અને ‘સૌનું એ જીવન નથી’ ‘કાંચળી બળે એમાં સાપને શું ?’ ‘બોલતા તારાઓ’ ‘વિદ્યાનો વિવેક’ ‘દીકરા કે દી-ફર્યા’ ‘ભલાભાઈની ભલાઈ’ ‘સાચો પરાક્રમી’ એ ચોથા ભાગની નીતિકથાઓ છે.