પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

માણસનું સાચું સુખ સુવર્ણમાં નહીં. મહેલમાં નહીં, કીર્તિમાં નહીં. પાંડિત્યમાં નહીં પણ અંતરની પવિત્રતામાં – સદ્‌ગુણોના વિકાસમાં છે, એવું આચરણ કરવાથી માણસ તો શું જાનવરનું પણ કલ્યાણ થઈ જાય. એ પ્રકારના આચરણનો ઉપદેશ આપતી અનેક કથાઓ જે લોકોએ રચી એનો આધાર લઈને જયભિખ્ખુએ ‘બૌદ્ધ ધર્મની પ્રાણીકથાઓ’, ‘હિંદુ ધર્મની પ્રાણીકથાઓ’ અને ‘જૈનધર્મની પ્રાણીકથાઓ’ રચી. પંચતંત્રની શૈલીમાં લખાયેલી આ પ્રાણીકથાઓ જયભિખ્ખુની વાર્તાકલાના ઉત્કૃષ્ટ નમૂના છે. એમાંય તે જૈન ધર્મની પ્રાણીકથાઓ સંપ્રદાયની પરિભાષા તથા સાંપ્રદાયિક રંગોથી મુક્ત રાખીને રજૂ કરનારા તેઓ પહેલા સર્જક છે. માણસને સંસ્કારી બનાવવાના ઉમદા જીવનધ્યેયથી રચાયેલી આ કથાઓ બાળસાહિત્યક્ષેત્રે એમનું વિશિષ્ટ પ્રદાન છે.

એ જ રીતે ‘જૈન બાલ ગ્રંથાવલિ’ની બે શ્રેણીની બાળકોને હોંશે હોંશે વાંચવી ગમે એવી જૈનધર્મની કથાઓને જયભિખ્ખુએ બાલભોગ્ય શૈલીમાં સાંપ્રદાયિકતાના રંગ વગર આલેખી છે. આમ તો ‘વિદ્યાર્થી વાચનમાળા’ અને ‘સદ્‌વાચનમાળા’ની જેમ ‘જૈન બાલ ગ્રંથોવલિ’ એમનું સંપાદન છે પણ એ સંપાદનમાં જેમ તેઓએ કેટલુંક અન્ય લેખકો પાસે લખાવ્યું છે તેમ પોતે પણ લખ્યું છે. બાળકોના ચારિત્રઘડતરમાં મદદરૂપ બને એ હેતુસર ખૂબ માવજતપૂર્વક તૈયાર કરવામાં આવેલી આ શ્રેણીમાં ‘રાજા શ્રીપાલ’ ‘વિમલ શાહ’ ‘શત્રુંજય’ ‘ભગવાન શાંતિનાથ’ ‘સ્થૂલિભદ્ર’ ‘અક્ષયતૃતીયા કથા’ ‘મહામંત્રી ઉદયન’ એ એમણે લખેલી પુસ્તિકાઓ છે. અહીં ઇતિહાસપુરાણના ખ્યાત પાત્રોનાં ચરિત્રો દ્વારા બાળકોનાં કુમળાં મગજ ઉપર તેઓ ઉમદા સંસ્કારનું રોચક શૈલીમાં સિંચન કરે છે.

આ ઉપરાંત ‘નાનો પણ રાઈનો દાણો’માં કુળ, પદવી, ધન, કીર્તિ, શિક્ષણ વગેરેની દૃષ્ટિએ નાના ગણાતા માનવીઓ પણ સમય આવ્યે કેવા મોટાં કામ કરી જાય છે એનાં રસળતાં દૃષ્ટાંતો જયભિખ્ખુએ આપ્યાં છે તો ‘છૂમંતર’માં જાદુગર નથુભાઈ મંછાચંદના જાદુ વિશે ખોટા ભ્રમ દૂર કરે તેવા કેટલાંક પ્રસંગોનું સંકલન આપ્યું છે.

બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થામાં પ્રવેશતાં બાળકો એક જાતની