પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મુગ્ધાવસ્થા અનુભવે છે. તેમનામાં એ સમયે સાહસ, શૌર્યની તેમજ કંઈક નવું કરવાની - નવું જાણવાની જિજ્ઞાસા ઊછળવા માંડે છે. એમની ચિત્તસૃષ્ટિને સ્પર્શે અને એમને ઉચ્ચ ભાવનાઓ તરફ પ્રેરે એવું શિક્ષણ અને સાહિત્ય એ સમયે જો એમને મળે તો દેશના ભાવિ નાગરિકોનું ઉચિત રીતે ઘડતર થાય છે. જયભિખ્ખુએ કિશોરોનું માનસ સમજીને એમને મસ્ત જીવનરસ પાય તેવી પ્રેરક કથાઓ પણ ઠીક પ્રમાણમાં આપી છે. એમાંનુ કેટલુંક ‘જવામર્દ’ શ્રેણીના વિવિધ પુસ્તકો જેવાં કે ‘જવામર્દ’ ‘એક કદમ આગે’ ‘હિંમતે મર્દા’ ‘ગઈ ગુજરી’ ‘માઈનો લાલ’ અને ‘ઢ માંથી ધુરંધર’ રૂપે મળે છે.

આપણે ત્યાં કિશોરોને સાહસની પ્રેરણા આપનારાં મોટાભાગનાં પુસ્તકો અનુવાદો કે રૂપાંતરો રૂપે મળતાં હતાં. આ પુસ્તકોના નાયકો જેવા કે ટારઝન, અલીબાબા વગેરે ભારતીય નહોતાં. આવા પુસ્તકોનું પ્રમાણ જે સમયે વધી ગયું હતું એ કાળે જયભિખ્ખુ અને એમના અન્ય કેટલાક સમકાલીન સાહિત્યકારોએ ભારતદેશના જ ખમીરને વ્યક્ત કરનારી મૌલિક સાહસશ્રેણી છે જેમાં જિંદાદિલી, મર્દાનગી અને સચ્ચાઈના કેટલાક લેખકજીવનના તો કેટલાક ઇતિહાસના શેરશાહ-હેમુ જેવા પ્રતાપી પાત્રોનાં જીવનના રંગો કિશોરોને એનું અનુકરણ કરવાની સહેજે ઇચ્છા થાય એ રીતે ઊતર્યા છે. જયભિખ્ખુએ ભારતનો જે લાંબો પગપાળો પ્રવાસ કર્યો હતો એ પ્રવાસના મબલખ રોમાંચક અનુભવોનું નિરૂપણ પણ અહીં છે.

‘કંઈક આપવીતી અને કંઈક પરવીતી’નું સંમિશ્રણ કરીને લખાયેલ આ શ્રેણીનું પ્રથમ પુસ્તક તે ‘જવાંમર્દ’. આ કૃતિમાં નાયકસ્થાને છે અશોક. અશોકની મિત્રમંડળી, એનાં સાહસો, પ્રવાસ ને એ પ્રવાસમાં વાટે મળેલાં પાત્રોની કથાઓ આ કૃતિમાં આવરી લેવાઈ છે. સાહસો અને મોજની આ કથાઓમાં આરંભે નવીન, સોરાબ, જમાલ, જગત જેવા બાળગોઠિયાના સાથમાં અશોકે કરેલી મારામારી, કોઈકને પછાડવાની, ભોંય ભેગી કરવાની ને કણકની જેમ દબાવી ઝૂડવાની કળાઓ આલેખાઈ છે. એક વખત નદી- કિનારે આવેલા સ્મશાને નહાવા જતાં કાકાએ આપેલ ઘડિયાળ કિનારે આવેલા પીપળા ઉપર મૂક્યું. પાછું લેવાનું સ્મરણ ના રહ્યું. તે રાત્રે અંધારામાં