પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લેવા જતાં રીંછ સામે મળ્યું. એ રીંછ સાથે જગતની જીવસટોસટની કુસ્તી અને રીંછના શિકાર પછી ઘડિયાળ લઈ ઘેર આવીને સૂઈ ગયા. સવારે ગામમાં વાત વહેતી હતી કે ‘શેરશાહ ફોજદારે રીંછ માર્યું’ ને ફોજદારને અપાતી શાબાશી વખતે થાકેલા અશોક-જગત ઊંઘતા હતા. ગામમાં જેમની દાદાગીરી ખૂબ હતી એવા ડોસાકાકાનો હિસાબ આ નટખટ કિશોર મંડળીએ કઈ રીતે પતાવ્યો એ પણ સરસ રીતે વર્ણવાયું છે. ગામ આખામાં નટખટ તોફાનોને કારણે જાણીતી બનેલી સાત મિત્રોની ‘સાતનારી’ (પંખીનું નામ) ટુકડી છેવટે છૂટી પડી ગઈ અને જગત જેવા મિત્ર સાથે પગપાળા આગ્રાથી મુંબઈ સુધીનો પ્રવાસ કરવાનો મોકો મળ્યો. માર્ગમાં ડાકુ, લૂંટારા, બદમિજાજી લોકો, ડુંગરા ધોતા આદિવાસીઓ ને અકેન ભયસ્થાનોની વચ્ચે ચાલતા આ પ્રવાસમાં થયેલો ડાકુનો મેળાપ, રસ્તામાં થયેલો વાઘનો ભેટો, અંધશ્રદ્ધાળુઓને જાટ લોકો દ્વારા ‘પાંચ પગાળી ગાય’ બનાવી લુંટવાની પરંપરા, સોનાની સાથે થયેલી મુલાકાત, એના ઉપર વીતેલી યાતનાઓ, સોનાની સાહસિકતા, એમના દ્વારા બુદ્ધાસીંગ બહારવટિયાનું પકડાવું વગેરે ઘટનાઓનું રસિક નિરૂપણ મળે છે.

જવામર્દ શ્રેણીનું આ પ્રથમ પુસ્તક વાંચતા, એમાં આવતા વીંછીયા, વિજાપુર, વરસોડા, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળોના ઉલ્લેખ અશોક દ્વારા થયેલા સાહસો વગેરેમાં લેખકના પોતાના શૈશવજીવનની કથની જ આલેખાતી જણાય છે. અશોક એ જાણે કે બાળ જયભિખ્ખુનું જ કલ્પનારૂપ છે. પ્રસ્તાવનામાં લેખક દ્વારા પણ આ વાતનો સ્વીકાર થયો છે. તેઓ કહે છે કે એ દિવસોની યોજના કેટલાક પ્રસંગો યાદ આવ્યા તે આ રીતે લખી નાખ્યા છે. પોતાના જુવાન ને કિશોર વાચકોને કંઈક મનમોજ કરાવવાના ઇરાદાથી લખાયેલા આ પુસ્તકની રસળતી ભાષાશૈલી, પુસ્તકને આત્મચરિત્રાત્મક રૂપ આપવાને બદલે વાર્તારૂપ આપવાની પદ્ધતિ થોડી ક્ષણો કિશોરોને સાહસથી ભરી ભરી દુનિયામાં લઈ જાય છે.

કિશોરોના સાહસજીવન અને પરાક્રમોની પ્રસંગકથાઓ નિરૂપતી ‘જવાંમર્દ’ શ્રેણીનું બીજું પુસ્તક છે, ‘એક કદમ આગે’ આ કૃતિમાં જયભિખ્ખુ ‘જવાંમર્દ’ના મહત્ત્વના પાત્ર જગતને હિંસક ક્રાંતિકારી બનતો અટકાવી તેના સાહસપ્રેમને દેશપ્રેમને માર્ગે વાળી તેને ‘એક કદમ આગે’ લઈ ગયા છે.