પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

‘સરસ્વતીચંદ્ર’ પછી હાસ્યરસભરપૂર પહેલી નવલકથા ‘ભદ્રંભદ્ર’ રમણલાલ નીલકંઠ પાસેથી મળે છે. રમણલાલની સ્થૂળ અને સૂક્ષ્મ નૈસર્ગિક હાસ્યકલાનો પરિચય કરાવતી આ નવલકથા આજે એ સમયનાં પ્રશ્નો નહીંવત્ હોવા છતાંય અને પુનરાવર્તનના દોષો તથા સુધારક વૃત્તિવાળી હોવા છતાં ય એટલી જ આકર્ષક રહી છે. ડિકન્સ અને સર્વાન્સિસની નવલકથાઓ જેવી હાસ્યરસિકતા આ નવલકથાની સિદ્ધિ ગણી શકાય.

નવલકથાનો બીજો ઉન્મેષ ક. મા. મુનશીમાં જોવા મળે છે. ‘વેરની વસુલાત’, ‘સ્વપ્નદૃષ્ટા’, ‘તપસ્વિની’ જેવી સામાજિક, ‘લોપામુદ્રા’, ‘લોમહર્ષિણી’ જેવી પૌરાણિક અને ‘ગુજરાતનો નાથ’, ‘રાજાધિરાજ’, ‘પૃથ્વીવલ્લભ’ જેવી ઐતિહાસિક એમ ત્રિવિધ વિષયવસ્તુ ધરાવતી નવલકથાઓ એમણે રચી છે. એમની વિશેષ પ્રતિભા ઐતિહાસિક નવલકથાઓમાં ખીલી છે. ઈ. સ. ૧૯૧પમાં ‘પાટણની પ્રભુતા’ નામની એમની નવલકથા પ્રસિદ્ધ થઈ ત્યારથી નવલકથાક્ષેત્રે ‘મુનશીયુગ’ શરૂ થયો. કાર્યવેગી વસ્તુવિન્યાસ, વિલક્ષણ અને જીવંત પાત્રો અને ઓજસ્વી શૈલીએ મુનશીની નવલકથાઓને મોટી પ્રતિભા બક્ષી છે.

કનૈયાલાલ મુનશીની પરંપરાભંગ-રૂઢિભંગને કારણે સર્જનક્ષેત્રે વિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા, છતાં સમર્થ સર્જક હતા. આ સર્જકની કૃતિઓ વિષેના વિવાદમાં મહાત્મા ગાંધીજી જેવી ઉચ્ચસ્તરીય વિભૂતિ પણ સંકળાઈ હતી. એમ છતાં, મુનશીના જીવનદર્શન વિષે તત્કાલીન ગુજરાતી વિવેચનને નોંધ લેવી પડે, એવી પરિસ્થિતિ તો હતી જ. ઇતિહાસ, પુરાણ, સંસ્કૃતિના આ પ્રખર અભ્યાસી નવલકથાકાર પાસે જીવન જોવાની પરંપરાગ્રસ્તોને વાંકી લાગતી છતાં આગવી દૃષ્ટિ હતી, અને એ જીવનમાંગલ્યના મહિમાની વિરોધી નહોતી એટલું તો સ્વીકારવું જ પડે. માંગલ્યપ્રાપ્તિના મુનશીના અભિગમો વિવાદાસ્પદ હોઈ શકે, પણ એના સર્જનલક્ષી મહિમાનો વિરોધ થઈ શકે નહિ.

ગુજરાતી સાહિત્યમાં ‘કરણઘેલો’ અને એના અનુકરણોની પરંપરાને હંફાવીને નવો ચીલો પાડી શકે તેવી સમર્થ કથા પ્રગટ થઈ ‘સરસ્વતીચંદ્ર’. એણે જે નવો પ્રકાશ પ્રગટાવ્યો તેને પરિણામે ગુજરાતીમાં ઐતિહાસિક