પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

‘એક કદમ આગે’ની સાહસકથા ‘જવાંમર્દ ભા.૧’ થી આગળ વધી, લૂંટો, બહારવટાં અને તોડફોડના ચક્કરમાંથી ઊગતી જુવાનીને બહાર કાઢી ભારતીય આઝાદી અને ઉત્ક્રાંતિના કામમાં લગાડે છે. બાળપણની ટોળીનાં અશોક, જગત, સોના, જમાલખાન જેવાં થોડા મિત્રો હિંસા કે અહિંસા બેમાંથી કયા માર્ગે ફનાગીરી માટે નીકળી પડવું એની મૂંઝવણભરી વિચારણામાં હતા એ વખતે ભગતસિંહની કથા એમને દેશની આઝાદી માટે મરી ફીટવા નીકળી પડવાની પ્રેરણા આપે છે. મિ. બ્રેવ સાથે એક વખત ગોરા હાકેમો માટેનો કાર્યક્રમ જોવા જતાં ‘કૂતરાઓ અને હિંદીઓ અહીં પ્રવેશ કરી શકશે નહિ’ના પાટિયાં વાંચી એક જબરદસ્ત આંચકો અનુભવે છે. હિંદી પ્રજાની સરખામણી એક કૂતરા સાથે થતી નિહાળીને આ ટોળી નિર્ણય કરે છે કે ન ઘેર જવું, ન લગ્ન કરવું, દેશના વિકાસ અર્થે ગામડામાં વસી પશુપાલન, ખેતી, પ્રાથમિક શિક્ષણ, જીવનસુધારણા વગેરે કામો કરવાં. ત્યાં જે ગાડીમાં તેઓ મુસાફરી કરતા હતા તેમાં લૂંટ થાય છે. ક્રાંતિવાદિ તરીકે જાણીતા આ યુવાનો પોતે પકડાય નહીં માટે ‘જીવ્યા મુઆના જયહિંદ’ કહીને છૂટા પડી જાય છે. અલગ અલગ નામો ધારણ કરી લે છે. જગત ‘મિ. ટ્વેન્ટીવન’ નામ ધારણ કરીને માલધારીઓના નેસડામાં આશ્રય લે છે. ‘નાગસુંદરીનો સ્વયંવર’ પ્રકરણમાં વર્ણવાય છે એમ ખડ ભરેલા ઘરમાં નાગોનાં પાંજરા વચ્ચે એને સંતાડાય છે ને પોલીસ પાછી વળી જાય છે. ગામડે ગામડે રઝળપાટ વેઠતાં આ પાત્રો લાકડા કાપવા નીકળેલા બે કઠિયારાને મળે છે. કઠિયારા સાચા મર્દ છે. એમનો મોટો સાથ-સહકાર આ જુવાનિયાઓને મળે છે. જગતને પોતાને આશ્રય આપનાર આ યજમાનો આપત્તિમાં ન મુકાય માટે જતા રહેવું છે. પણ ઘવાયેલા એને જવા દેવા એ લોકો તૈયાર નથી. એમની વાત તો એટલી જ છે કે આવી સ્થિતિમાં તો તેઓ જાનવરને ય ખીલેથી ના છોડે તો પછી જગતને તો કઈ રીતે જવા દે?

જેમને ગુનેગાર કોમો ગણેલી છે એવા આહિરો, કાઠી ગરાસિયા ને બીજી પછાત કોમો – ‘અહીરાવણ અને મહીરાવણ’ રૂપે સલ્તનતને હંફાવે છે. ‘પાંજરામાં પૂરેલા સાપ, અંદર તમારા બાપ, જેવા પ્રજાસમૂહો કોરટ- કચેરીઓ ને પોલીસો સામે એમને એમ જ દેખાય છે. એમાં સાહસિકોનાં