પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લવરીઓમાંથી ‘મારી કુસુમ’ જેવામાં થતી ગેરસમજો અને મારામારીઓ તથા સાહસવૃત્તિઓનું નિરૂપણ પણ અહીં છે. એમાં ય જીવતા પુસ્તકાલય સમા બાળવિધવા નિમુબહેનનું નિરૂપણ તો જયભિખ્ખુની કલમે એને સજીવ રીતે થયું છે કે કિશોરોના ચિત્ત ઉપર એની અમીટ છાપ પડે જ છે. શહેરનું ગુલાબ એવા નિમુબહેન આમ તો બચપણમાં ઘરભંગ થયેલા, પણ સ્વમાન સાચવવા જતાં છંછેડાયેલા ને બીજે વરેલાં એટલે બ્રાહ્મણની નાતનો કોપ એમની ઉપર હતો પણ કથાસંસ્કારની પ્રવૃત્તિઓ અને યુવાઘડતરની એમની કામગીરીથી ગામના અનેક યુવાનો એવા તો આકર્ષાયેલા કે એ બધા કહ્યાગરા થઈને એમની પાસે બેસી જતા. એમનાં જૂનાં સાસરિયાં એમનું ખૂન કરવા ફરતા એમાં એમના પિતાએ બહારગામ જતાં દીકરીનું ધ્યાન રાખવાની જવાબદારી અશોક અને ગિરજાને સોંપી. એમાં ગિરજો ફૂટલ નીકળ્યો. પોતે જાગે છે એમ કહી ચોકીની જવાબદારી માથે રાખી પોતે જ હુમલાખોર બન્યો પણ બાળસેનાએ બાજી સંભાળી લીધી અને અશોકે કાવતરું પકડી પાડ્યું ત્યારે જીવનનો એક માત્ર મિત્ર ખૂટલ નીકળ્યાની વેદના અશોકને માટે વસમી બની ગઈ. આમ એકથી અગિયાર પ્રકરણમાં આવતી કાલની પેઢીને ઘડવાના ઊજળા ઉદ્દેશવાળી કથાઓ પ્રેરક અને બોધકરૂપે સંઘરાઈ છે.

આખીયે કૃતિમાં ગિરજો, છગુજી, પાલીકાકી, નિમુબહેન વગેરે પાત્રો એમનાં સરળ ગુણોને લીધે કિશોરોના મુગ્ધ હૃદયને ગમી જાય એવાં આલેખાયાં છે. એ જ રીતે ‘ઘેલી મારી કુસુમ’ વાળા પ્રસંગમાં શિક્ષકની સાહિત્યપ્રિયતાએ નિપજાવેલો ગોટાળો અને પાલીકાકીનું પરાક્રમ પ્રસંગનિરૂપણની દૃષ્ટિએ નોંધપાત્ર બન્યાં છે. એવો જ અદ્ભુતરસિક રોમાંચક પ્રસંગ કથાનકના છેલ્લા પ્રકરણમાં જૈન ગોરજીની ભૂતની ઉપાસનાનો છે.

‘જવાંમર્દ’ શ્રેણીનું પાંચમું પુસ્તક ‘માઈનો લાલ’ માનવી અને પશુ વચ્ચેના સંબંધની જંગલજીવનની સુંદર કથાઓ નિરૂપે છે. ૨૬ પ્રકરણની આ કૃતિમાં પ્રતાપ નામનો એક કિશોર જે પશુઓના પ્રેમમાં છે એના પશુપ્રેમે એની પાસે નગરનું સુંવાળું જીવન, કુટુંબનું હૂંફાળવું પ્રેમવિશ્વ