પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છોડાવી કઠોર જંગલજીવનને વહાલું બનાવવા મજબૂર કર્યો એની કથા છે. પશુઓની વચ્ચે જીવતા પ્રતાપને જંગલજીવનમાં અનેક નવા અનુભવો થાય છે. આ અનુભવોમાંથી એની જવાંમર્દી જાગી ઊઠે છે. મર્દાનગીની મશાલ લઈને નીકળેલો, કાળ વંટોળિયા વીંધતો, જંગલજીવન જીવતો, વનભોજન આરોગતો, જંગલી પાડાઓને પાછા પાડતો પ્રતાપ યૌવનને કિનારે આવે છે ત્યારે જુએ છે કે જે દેશમાં એ જન્મ્યો છે એ દેશ ઉપર બીજાઓની - ગોરાઓની - હકૂમત છે. આ હકીકતની સમજ જ્યારે એના ચિત્તમાં પ્રગટે છે ત્યારે એના કાળજે ઘા વાગે છે. દેશમાં વ્યાપેલી વિદેશી સત્તા સામે એ સંઘર્ષ આદરે છે, કાળા-ધોળાના દેખાતા ભેદ અને અન્યાયોની અતિશયતા દેખીને એનો આત્મા કકળી ઊઠે છે ને એને મિટાવવા એના દેહને બલિરૂપે ખપમાં લાવી દે છે. ‘દુનિયા અજાયબીનો ભંડાર’, ‘પ્રતાપની જુબાની’ અને ‘ક્રાંતિકાર કૈલાસ’ પ્રકરણોમાં આ ત્યાગ-સમર્પણની કથાનો સુંદર વણાટ થયો છે. ‘સરકસના ખેલ’થી આરંભાતી આ કથા પ્રતાપ જેવા ‘માઈના લાલ’ના દેશની સ્વાતંત્ર્ય માટેની મથામણમાં બલિ થવા સાથે સમાપ્ત થાય છે. જવાંમર્દીના આ નિરૂપણની સાથે સાથે જયભિખ્ખુએ હિંદુ-મુસ્લિમ-મૈત્રી ભાવના વગેરેનું હૃદયસ્પર્શી નિરૂપણ કર્યું છે. આવતી કાલના નાગરિકો નીડર અને સાહસકર્મવાળા બને એવા ઉજમાળા હેતુથી લખાયેલી આ કૃતિ એની રમતિયાળ અને છતાં સરળ, ભાવવાહી લખાવટને કારણે કિશોરોને પ્રિય બને છે.

‘જવાંમર્દ’ શ્રેણીના છઠ્ઠા અને છેલ્લા પુસ્તકમાં આઝાદીની નોબતો સાંભળી ચૂકેલા કિશોરોની કથાઓ છે. નાનપણનાં તોફાની, અટકચાળાં, વિચિત્ર ને કંઈક નિસ્તેજ દેખાતાં પણ મોટપણે નામના કાઢનાર નરવીરોનાં જીવનપ્રસંગો એમાં આલેખાયાં છે.

આજના રમતિયાળ અને છોકરવાદી કિશોર-કિશોરીઓના હાથમાં આવતી કાલનું ભાવિ છે તો એમને કલ્પના, કૌવત અને કર્તવ્યનિષ્ઠા શું છે એની સમજ પ્રાપ્ત થાય તે જોવાની શિક્ષણ અને સાહિત્યની જવાબદારી છે. એવી કંઈક સભાનતાથી આલેખાયેલી ‘જવાંમર્દ’ શ્રેણીની આ સાહસકથાઓના તમામ પુસ્તકો સ્વતંત્ર પુસ્તકો છે પણ ‘જવાંમર્દી’નો એક