પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સૂક્ષ્મ તાર છે કે પુસ્તકોને એક તાંતણે બાંધે છે. આ કથાઓના નિરૂપણમાં ઇતિહાસનો ટેકો જયભિખ્ખુએ લીધો છે પણ ઇતિહાસદર્શન કરાવવા કરતાં એમને એ સત્ય ઘટનાઓમાં રહેલા જવાંમર્દીના અંશનું દર્શન કરાવવામાં વિશેષ રસ જણાય છે.

‘જવાંમર્દ’ શ્રેણીનાં છએ છ પુસ્તકો સાહસ, શૌર્ય અને હિંમતની એક આગવી મુદ્રા ઉપસાવી જાય છે. છએ પુસ્તકોમાંથી એક જ સંદેશ ગુંજે છે. અને તે ‘જોખમમાં જીવો’. પુસ્તકોની પ્રસ્તાવનામાં તેઓ આ સંદર્ભની એક નાનકડી કથા કહે છે તે મુજબ ભગવાન અષો જરથુષ્ટ્ર પહાડ પર એકાંતમાં તત્ત્વદર્શન મેળવીને નવસંદેશ આપવા જગત તરફ આવતા હતા ત્યારે જગતના લોકો એટલા બધા એશઆરામમાં મસ્ત હતા કે એક નટ દોરી ઉપર અદૂભુત નૃત્યપ્રયોગ કરતો હતો એની તરફ પણ એમનું ધ્યાન નહોતું ને એ મરી ગયો. જ્યારે એને મરેલો ભગવાન અષો જરથુષ્ટ્ર નિહાળ્યો ત્યારે કહ્યું કે ‘તેં જોખમનું કામ કર્યું છે માટે મારા હાથથી તને દફનાવીશ’ ને એ દહાડે એક નવસંદેશ એમણે જગતને આપ્યો, ‘જોખમમાં જીવો.’ જ્વાળામુખીની પાસે તમારાં નગર વસાવો ન ખેડવા યોગ્ય નદીઓમાં તમારાં નાવ ચલાવો.. યુદ્ધના વાતાવરણમાં રહો... પૃથ્વીની પ્રતિ વફાદાર રહો’ આ નવસંદેશ જવાંમર્દ શ્રેણીના પુસ્તકોમાં ગુંજે છે.

જે અનુભવોમાંથી કિશોરોને સાહસ, જવાંમર્દીની પ્રેરણા મળે છે. એ અનુભવો આ કૃતિઓમાં કલ્પનાવિહારરૂપે નિરૂપાયા નથી. અહીં એવા મહાનુભાવોના જીવનના પ્રસંગોનું નિરૂપણ છે જેમણે ઠંડી તાકાતથી જવાંમર્દીનું પોતાના જીવનપ્રસંગોમાં કર્તવ્યરૂપે દર્શન કરાવ્યું હોય. છ એ છ પુસ્તકોમાંથી એક વાત અવિરત ગૂંજ્યા કરે છે કે જ્યાં એક એક કદમ કસોટીનું હોય ત્યાં એ કસોટી જ વામન માનવીને વિરાટ બનાવે છે. પિંઢારુ પ્રદેશમાં રાત ગુજારવાની હોય, બે કાંઠે ધસમસતા પૂરવાળી નદી પાર કરવાની હોય, લોહી થીજવી નાંખે એવી ભૂતાવળો વચ્ચે રાત ગાળવાની હોય, ખાવાનું હોય નહીં ને મરુપાટમાં માર્ગ ભૂલ્યા હોઈએ, ચૂડેલો રાસડા લેતી હોય, રાનમાં રાત રોતી હોય, પગમાં સર્પો વીંટાયા હોય, બહારવટિયાઓની તલવાર માથા ઉપર ઝળુંબતી હોય ત્યારે ને એવા