પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વાતાવરણ વચ્ચે જનમ ધરવામાં ને જીવવામાં જવાંમર્દી આ વાત વિધવિધ રૂપના પ્રસંગોમાંથી જયભિખ્ખુએ ઉપસાવી છે. તોફાનો વચ્ચે જીવવામાં તોફાન એ તત્ત્વ હોય કે ન હોય, જીવનનું જોમ તો જરૂર છે; સાહસ એ સત્ત્વ હોય કે ન હોય, જીવનનું જોમ તો જરૂર છે; સાહસ એ સત્ત્વ હોય કે નહીં, શૌર્ય તો જરૂર છે જ એમ માનતા લેખકે જવાંમર્દો નીપજાવવા માટે, મૃત્યુંજયો જન્માવવા માટે, મરજીવા મેળવવા માટે કસોટી કાળના તપને વરદાન ગણાવ્યું છે અને ‘જવાંમર્દો’ જોખમમાં જીવો એ સૂરને સર્વત્ર ગુંજતો કર્યો છે. આમ, કિશોરોને મસ્ત જીવનરસ પાતી આ સાહસશ્રેણી એ જયભિખ્ખુનું મહત્ત્વનું સાહિત્યિક અર્પણ બની રહે છે.

આ ઉપરાંત જયભિખ્ખુએ બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં વ્યક્તિત્વ વિકાસમાં અને બાળકોના સંસ્કારોનું સિંચન કરવાના ઉદ્દેશથી વિદ્યાર્થી વાચનમાળામાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે કેટલાક ટૂંકા અને પ્રમાણભૂત ચરિત્રો લખ્યાં છે. ‘વિદ્યાર્થી વાચનમાળા’ની કુલ ૧૦ શ્રેણીના ૨૦૦ પુસ્તકોમાંથી ૬૬ પુસ્તકો જયભિખ્ખુએ પોતે લખ્યા છે. આ પુસ્તકોમાં મહાન અવતારો, ઋષિયો, મહર્ષિઓ, રાજા-મહારાજાઓ, મહાન નેતાઓ, સાહસશૂરાઓ, આપણા કેટલાક નામી કવિઓ, લેખકો, ચરિત્રકારો, કેળવણીકારોનો તથા આપણાં તીર્થધામો, સૌંદર્યધામો, કલાધામો અને બીજાં વિહારધામોનો સૌંદર્યલક્ષી ભૌગોલિક મહિમાયુક્ત પરિચય કરાવ્યો છે.

બાળકોના ચારિત્ર્ય ઘડતરમાં જેમનાં ચરિત્રો ઉમદા ઉદાહરણો બની શકે એવી વ્યક્તિઓ, ઘટનાઓ અને પ્રસંગો વિષે પ્રકરણ પાંચમાં આપણે વિગતે તપાસ્યું જ છે, એટલે અહીં એનું પુનરાવર્તન નહીં કરીએ પણ વિદ્યાર્થી વાચનમાળા દ્વારા ચરિત્રો ઉપરાંત કેટલાંક શહેરો, પ્રવાસધામો કે ધર્મસ્થાનકોનો જે પરિચય જયભિખ્ખુએ કરાવ્યો છે એને તપાસીશું. આ પુસ્તકોમાં જયભિખ્ખુએ અમદાવાદ, વડોદરા, લખનૌ જેવા શહેરો; આબુ, શત્રુંજય, ગમોટેશ્વર અને ગીરનાં જંગલો જેવાં પર્વતીય અને ધાર્મિક સ્થાનો વિષે બાલભોગ્ય ભાષામાં રસળતી, રસાવહ શૈલીમાં નિરૂપણ કર્યું છે. કોઈ પણ સ્થળનું વર્ણન કરતાં તેઓ જો તેનું ઐતિહાસિક મહત્ત્વ હોય તો એ