પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

વર્ણવે છે અને સાથે સાથે એને વિષેની ભૌગોલિક માહિતી, કેટલાંક નામાંકિત સ્થળો, કેટલીક નામાંકિત વ્યક્તિઓની વાત પણ તેઓ સ્થળવર્ણનમાં એવી પ્રસંગાત્મક ઢબે સાંકળી લે છે કે વાંચનારને ખ્યાલ પણ આવતો નથી કે પોતાને કેટલી બધી માહિતી ઘટના વાંચતા વાંચતા સહજ રીતે મળી ગઈ. જયભિખ્ખુની આવી પુસ્તિકાઓમાં દ્વારકા અને અમદાવાદનો પરિચય કરાવતી પુસ્તિકાઓ સુંદર છે. અમદાવાદ વિશે અબુલફઝલને ટાંકતા તેઓ કહે છે કે દિલ્હીની ઊપજ જુવાર અને ઘઉં જ્યારે અમદાવાદની ઊપજ મોતી અને પરવાળાં. આવા નિરૂપણ દ્વારા જયભિખ્ખુ અમદાવાદની સમૃદ્ધિને કેવી સહજ રીતે બાળકો સમક્ષ મૂકી આપે છે ! અમદાવાદનો ઇતિહાસ, ત્યાં આવેલાં મંદિરો, મસ્જિદો એ બધાં વિષે માહિતી આપતો સર્જક, એ સમયે એ શહેરની વસ્તી નવ લાખની હતી એ વિગત દર્શાવવાનું પણ ચૂકતો નથી.

વિદ્યાર્થી વાચનમાળાની આ શ્રેણીની જયભિખ્ખુ માતૃભૂમિના ભાગવત તરીકે ઓળખાવતાં કહે છે કે પોતાનો ઇરાદો આ પુસ્તિકાઓ દ્વારા વિદ્યાર્થીઓને માહિતી, સામાન્ય જ્ઞાન અને વ્યક્તિ પરિચયો આપીને એ દ્વારા કિશોરકિશોરીઓનું ચારિત્રઘડતર કરવાનો છે. અને એ માટે ‘વિદ્યાર્થી વાચનમાળા’ ગાગરમાં સાગરનું કામ કરે છે.

આપણાં બાળવાર્તાકારોએ ઘણાં લાંબા સમય સુધી કંઠસ્થ સાહિત્યનો ઉપયોગ બાળકોને વાર્તા સંભળાવવામાં કર્યા પછી લાંબા ઉપયોગને કારણે એ ખાણ લગભગ ખણાઈ ગઈ. એમાં સોનાને બદલે કચરો જ મળે એવી પરિસ્થિતિ જ્યારે સર્જાઈ ત્યારે સર્જકોની નજર ઐતિહાસિક લોકજીવન અને સંસ્કૃત-ગુજરાતી ગ્રંથસ્થ સાહિત્ય તરફ વળી. ઐતિહાસિક પ્રસંગો તેમ જ પાત્રોનો આધાર લઈને એક પ્રકારની ચેતનદાયી ગ્રંથાવલિઓ તૈયાર કરવા તરફ બાળસાહિત્યકારો વળ્યા. જયભિખ્ખુએ પણ ધૂમકેતુની સાથે આવી એક ગ્રંથાવલિ તૈયાર કરી તે ‘પ્રતાપી પૂર્વજો’ ભા. ૧ થી ૫. આ બાલગ્રંથાવલિમાં બાળકોને જેમનાં જીવનમાંથી પ્રેરણા, સાહસ, જીવનમૂલ્યો વગેરે મળી રહે એવા રાણા પ્રતાપ, શિવાજી, રાણી લક્ષ્મીબાઈ, શાહજહાં, સુલતાના ચાંદબીબી, રાણી અહલ્યાબાઈ વગેરેના જીવનપ્રસંગોનું બાળભોગ્ય શૈલીમાં