પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થયેલું નિરૂપણ મળે છે. આજના સંકુલ અને ક્ષોભક જીવનમાં માતાપિતાએ વડીલો પાસેથી બાળકના શીલ, સંસ્કારને ઘડનારી આપણા પ્રતાપી પૂર્વજોની દૃષ્ટિદાયક કથાઓ સાંભળવી એ લહાવો તો હવે ‘ગતકાળની કથા’ - બની ગયો છે. એમાં ય મોટાં શહેરોમાં તો સર્વત્ર જ્યારે આ પરિસ્થિતિ છે ત્યારે આવી કથાઓ જીવનમાં ઉત્તમ પ્રજીવકો જેવી પ્રેરક બની રહે છે.

આ ઉપરાંત ‘બાલાવનામબોધાય’નાં અર્થમાં પણ જે કેટલુંક સાહિત્ય લખાયું છે, અર્થાત્ પ્રૌઢો માટે જે સર્જાયું છે એ સાહિત્ય બાલભોગ્યતાના અંશો પણ ધરાવે છે, એટલે રૂઢાર્થમાં જેને બાલસાહિત્ય ગણવામાં વાંધો નથી એવું સાહિત્ય પણ જયભિખ્ખુ પાસેથી મળે છે એમાં કેટલાક નીતિનો ઉપદેશ આપતા વાર્તાસંગ્રહો સદ્‌વાચનમાળાનાં વિવિધ પુસ્તકો મુખ્ય છે.

પ્રૌઢોને સદાચાર અને નીતિધર્મના બોધપાઠ મળી રહે, કિશોરોને ચારિત્રઘડતરના સંસ્કાર મળે એવા ચૌદ કથાનકો ‘હીરાની ખાણ’માં જયભિખ્ખુ આપે છે. આ કથાનકોમાં સ્વાર્થ અને ભીરુતાની સામે સાહસ, ત્યાગ અને પરમાર્થનું દર્શન કરાવનાર સંસારના નાનામોટા હીરાનાં તેજવર્તુળો ઉપસાવાયાં છે. અહીં દ્રવ્યપ્રેમી નર્તિકાને પવિત્ર સ્ત્રી બનાવનાર પોપટ તોતારામ છે, તો વીર સતી સગઈ સંઘારી છે. દયાધર્મની મૂર્તિ દયાનંદ સરસ્વતી, વિદ્યાપુરુષ આચાર્ય હેમચંદ્ર અને અબ્રાહમ લિંકન છે તો ભગુજી જેવા સાહસિક વીર, આખાબોલા ને સાચાબોલા પ્રજાજન અને ઉસ્તાદ કલાકાર પણ છે. આ કૃતિમાં આવા સંસ્કારપુરુષોની પરાક્રમશીલતા અને ત્યાગની, શીલ અને પવિત્રતાની મહેક સર્વત્ર પથરાયેલી છે. જાણીતી અને અણજાણીતી, દેશની કે પરદેશની, સમાજ-ધર્મ કે રાજ્યજીવનની વ્યક્તિઓનાં જીવનમૂલ્યોનું અહીં બાળકો, કિશોરો અને પ્રૌઢો સહુને માણવું ગમે એવું ભાવ અને ભાષાની મીઠાશયુક્ત નિરૂપણ છે. જ્યારે સરળ અને વેગીલી કથનશૈલીથી, ક્યારેક બોધ અને ચાતુર્યયુક્ત નિરૂપણથી, ક્યારેક કટાક્ષ-વિનોદની ગૂંથણીથી આકર્ષક રૂપ પામેલો દસ વાર્તાઓનો સંગ્રહ ‘માણું મોતી’ કિશોર અને પ્રૌઢ સમુદાયને આનંદ સાથે જીવનશિક્ષણ પણ પૂરું પાડે છે. સંગ્રહની ‘પરોણાગત’ વાર્તા વસ્તુદષ્ટિ અને લખાવટને કારણે શિરમોર સ્થાન મેળવે છે. ‘બોલ ને તોલ’ ‘સગવડ-અગવડ’ વાર્તાઓ પણ