પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સંગ્રહની વિશિષ્ટ વાર્તાઓ ગણી શકાય. દેવોભાઈ, ચતુર મલકચંદ કે ભીમજી જેવાં પાત્રોનું નિરૂપણ અસરકારક રૂપે થયું છે. સમગ્રતયા બાળકો, કિશોરો અને પ્રૌઢોને ગમે તેવી વાર્તાઓનો આ સંગ્રહ જયભિખ્ખુની બાળસાહિત્યકાર તરીકે જામેલી હથોટીનું દર્શન કરાવે છે.

‘માણું મોતી’ની જેમ બાલભોગ્ય શૈલીમાં લખાયેલી છતાં પ્રૌઢને પૂરેપૂરી સંતર્પક એવી સોળ વાર્તાઓનો સંગ્રહ ‘મૂઠી માણેક’ પણ જયભિખ્ખુની અન્ય કૃતિઓની જેમ જીવનના ઘડતર અને ચણતરની વાતો કરે છે. આ સંગ્રહની ‘ઇદનો ચાંદ’ વાર્તામાં દેસાઈ કુટુંબની એક સ્ત્રી હિરણ નદીને કાંઠે આવેલા શીતળામાના મંદિરે દર્શન કરવા જાય છે ત્યારે એની સાથે એના રક્ષણાર્થે રમજૂમીયાં નામનો ચોકીદાર હોય છે. માર્ગમાં જહાંગીર નામનો એક લૂંટારો ભેટે છે. બીજે દિવસે ઇદ હોય છે એટલે એની નજર બાઈના કડલા ઉપર છે પણ આ બાઈ બાધા કરવા નીકળે છે માટે એની બાધા પતી જાય પછી પોતે જાતે આવીને કડલા પહોંચતા કરશે એવી ચોકીદારની વાત, એમાં લૂંટારુંની સંમતિ અને વચન પ્રમાણે ઇદને દિવસે ચોકીદાર અને લૂંટારું બંનેને અપાતું જમણ વગેરે વાતો વિશ્વાસ અને બોલની શું કિંમત છે એ સચોટ રીતે નિરૂપે છે. ‘મોસાળું’માં એક હરિજન ચમારે રાજવીની આબરૂ વધારી ને ભાણાના મામેરામાં આખું ખસતા ગામ આપી દીધું એ જાણીતી લોકકથાનો વિષય છે જ્યારે ‘ઇંટ કે માથું ?’ જૂનાગઢમાં ધીંગાણાને વાચા આપે છે. ‘ભીખારીનાં ભજન’ સંત પુનિત મહારાજનું જીવનચરિત્ર અને ભજન ભોજનની એમની જીવનવિભાવના વણાઈ છે. કુંવર ઢોલી ઊંચનીચના ભેદભાવોને નિર્મૂળ કરતી ઢોલી અને કુંવરના સાથ સાથેના પાળિયાની કથા છે. ‘વાણિયું ફોફળશા’ જાણીતી લોકકથા ઉપર આધારિત વાર્તા છે. બીકણ વાણિયાને બદલે ફોફળશાએ મર્દાનગી દાખવી લૂંટાતી જાન બચાવીને પોતાના ‘રંગભડી’ ગામને અમર બનાવી દીધું એ પ્રસંગનું તેજીલું આલેખન જયભિખ્ખુએ કર્યું છે. એ જ રીતે ‘જાદુનું જાદુ’ ‘નિંદા ધોબી’ ‘ધમવલ્લોણા ગમ’ ‘ર૪ કલાકની મહેતલ’ વગેરે પણ પ્રસંગના બળકટ પોતાને કારણે વાંચનારને પકડી રાખે છે.

‘પાલી પરવાળા’માં બાળકો, કિશોરો અને પ્રૌઢોને જીવનઘડતરમાં