પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ઉપયોગી નીવડે એવા જીવનપ્રસંગોનાં મોતી છે. આ સંગ્રહની આરંભની વાર્તા ‘વાળી’માં મુંબઈના ધનાઢય શેઠ મોતીશાના દીકરા ખીમચંદે કાઢેલા દેવાળાની વાત છે. દેવાળું તો ઘણાં કાઢે પણ એ વખતે મન મેલું કર્યા વગર પોતાની સઘળી માલ-મિલકત સરકારમાં જાહેર કરનાર ખીમચંદ શેઠની અનોખી સચ્ચાઈને હૃદયસ્પર્શી રૂપે વાર્તાકારે ઉપસાવી છે, તો ‘પહેલી સલામ’માં ગોરા અંગ્રેજની દીકરીના દેશપ્રેમે પિતાની બાજી કેવી ઊંધી વાળી એનું ગરવું નિરૂપણ છે. આત્મકથનાત્મક ઢબે લખાયેલી ‘ઘરમાં ઘડિયાળ’ રમૂજી શૈલીમાં ગામમાં નવું આવેલું ઘડિયાળ કેવું કુતૂહલ જગાવે છે એ નિરૂપે છે. નિર્દોષ ભૂલકાં ચોરી શું ચીજ છે એ જાણતા ન હોય, કુતૂહલ એમના અણુએ અણુમાં વિસ્મય બનીને પથરાયેલું હોય ત્યારે ઘણીવાર નાનકડી વસ્તુની ચોરી કેવા પરેશાન બનાવી દે છે એ કુતૂહલવશ કરેલી ઘડિયાળની ચોરીમાંથી સર્જાતા ફજેતા દ્વારા જયભિખ્ખુએ વર્ણવ્યું છે. ‘એંજિનભાઈ અને ડબ્બાબહેન' બાળકોને પસંદ પડે એવી હળવી શૈલીમાં જ્યોર્જ સ્ટીવન્સને કેવી રીતે કેવા સંજોગોમાં આગગાડીની શોધ કરી એને નિરૂપે છે. ‘નાગમતી’માં સાધુએ અન્યને આપેલો બોધ જ્યારે એમના પોતાના જીવનમાં યોજવાનો આવે છે ત્યારે એ કામ કેવું કપરું છે એની એમને પ્રતીતિ અને છેવટે ઉપદેશ આપ્યા પ્રમાણે આચરવા જતાં મળતું મૃત્યુ વર્ણવે છે. સત્યની દીવાદાંડીને પ્રકાશવંત બનાવનાર સાધુ ‘કહીએ એવું જ કરીએ’નો જીવનસંદેશ આપી જાય છે. જુદી જુદી તેવીસ વાર્તાઓનાં આ પરવાળાં માનવજીવનનાં સુંદર ઘરેણા બની શકે એવાં છે. વાર્તાકાર પ્રસ્તાવનામાં કહે છે, ‘આ વાર્તાઓ દ્વારા બાળકોને દુનિયાનું એક દર્શન કરાવવું છે એ દર્શન તંદુરસ્તીભર્યું હો, જીવનોપયોગી હો, ને સાથે સુરુચિપૂર્ણ હો - એટલી સાવધતા જરૂરી છે.’ (પૃ. ૬)

‘લીલી લીલી વરિયાળી’ની અઢાર વાર્તાઓમાં જયભિખ્ખુએ પુરાણ અને ઇતિહાસમાંથી વસ્તુ લઈને પોતાની મૌલિક રીતે દરેકમાંથી કશુંક પ્રેરક, કશુંક ઉદાત્ત ફલિત કર્યું છે. ‘શેરડીના રસનું પારણું’ પૃથ્વીના પહેલા કલાકાર, પહેલા રાજા, પહેલા ત્યાગી, પહેલા તીર્થંકર ઋષભદેવને એક વર્ષના ઉપવાસ પછી અક્ષયતૃતીયાને દિવસે શ્રેયાંસકુમારે શેરડીના રસથી