પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરાવેલાં પારણાની કથા છે. વિવેક મોટો ધર્મ છે, વિવેક માણસાઈ છે’ એ આ વાર્તાનો સંદેશ છે તો ‘વેર અને પ્રેમ’ કાર્તવીર્ય અને પરશુરામ વચ્ચેના વેર અને એ વેરને પ્રેમથી દશરથપુત્ર રામે સમાવ્યાની ઘટનાઓ વર્ણવે છે. ‘અડસઠ તીરથની યાત્રા’ ગણેશ દ્વારા શંકર અને પાર્વતીની પૂજાની અને એ દ્વારા અડસઠ તીરથની યાત્રાનું પુણ્ય કમાયાની કથા નિરૂપે છે. એક તરફ અડસઠ તીરથ અને બીજી તરફ માતા-પિતાની સેવા એ બંને સરખા છે એ ધ્વનિને બાળભોગ્ય શૈલીમાં જયભિખ્ખુએ ઉપસાવ્યો છે. ‘ડરવું ને મરવું સરખું’ ભગવાન શ્રીકૃષ્ણના ગોવર્ધન પર્વત તોળ્યાના પ્રસંગને, ‘પ્રેમનો પેગંબર’ ભગવાન બુદ્ધના પ્રેમસંદેશને અને ‘સંન્યાસી ને શૂદ્ર’ શંકરાચાર્યના જીવનસંદેશને આલેખે છે. આપણી ભૂતકાળની પ્રતાપી સૃષ્ટિમાં, પૌરાણિકતાના થડ નીચે, જીવન માટેનું જે પ્રેરણાજળ ધબકે છે, જેનો એકાદ અણસારો પણ જીવનમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં મદદરૂપ થાય છે એ પ્રતાપી પાત્રોની જાણીતી વાતો આ સંગ્રહમાં આલેખાઈ છે.

આજના યુવાનોને જીવન જીવવા માટેની નવી દૃષ્ટિ મળે, પ્રૌઢોને આનંદ સાથે સદ્સાહિત્યવાચનનો લાભ મળે એવા ઇરાદાથી જયભિખ્ખુએ ‘સદ્વાચનમાળા'ની છ શ્રેણીઓમાં વિવિધ વાર્તાઓ આપી છે. આવા સાહિત્યને સર્જવા પાછળ સર્જકનો ઇરાદો ચોખલિયો ઉપદેશ આપવાનો નથી જ નથી, એમને તો સર્વ રસની સૃષ્ટિની પરિસમાપ્તિ સાત્ત્વિક રસમાં કરવી છે. આમાંની કેટલીક વાર્તાઓ વિષે વાર્તાકાર જયભિખ્ખુનો પરિચય મેળવતાં વિગતે વાત કરી છે, અહીં એના સિવાયની કેટલીક વિષે જોઈશું. ‘નિર્વંશનું વરદાન’ ગુજરાતના મહામંત્રી વિમલે માંગેલા નિર્વંશના વરદાનની કરૂણકથા કથે છે તો ‘ગજમોતીનો મહેલ’ માણસોના સ્વાર્થને અને પશુના પ્રેમને વર્ણવે છે. ‘રોઝડાનો ટીંબો’ ગામના પશુઓની રખેવાળી કરતા સાપને મારવાથી ગાય ઉપર ઉતરતી આફતોને આલેખે છે. અને ‘અમરકૂંપો’ શ્વેતાંબી નગરીના રાજા સુર્યપ્રભને ભોગવિલાસમાં નહીં, ત્યાગમાંથી અમરકૂંપો પ્રાપ્ત થયાની કથાને કથે છે તો ‘દેવાનંદા’ વૈશાલી નગરીના શાખાનગર કુંડગ્રામની બે સખીઓ બ્રાહ્મણ યુવતી દેવાનંદા અને રજપૂતાણી ત્રિશલાદેવીના ત્યાગભર્યા પ્રેમની કથાને વર્ણવે છે. ‘કાળી પત્ની’ એ આબુ ઉપરના દેલવાડાનાં દહેરાં