પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બંધાવવામાં પ્રેરણાસ્થાન બનેલી અનુપમાદેવીની કથા રજૂ કરે છે તો ‘સાગરસફરી’ ભગવાન મહાવીરના શંકા અને શ્રદ્ધા વિશેના પ્રવચનની વાત છે. સદ્‌વાચનમાળાની ‘રાધા અને કહાન’ ‘કામનું ઔષધ કામ’ ‘સૌભાગ્યસુંદરી’ ‘અઢાર નાતરાં’ ‘ગંગાવતરણ’ જેવી વાર્તાઓ પુનરાવર્તનો છે.

આમ ચારિત્ર્યસાહિત્યને સંપૂરક સાબિત થાય એવું બાલસાહિત્ય, શૈક્ષણિક મૂલ્યોને નજર સમક્ષ રાખીને લખાયેલું કિશોરસાહિત્ય તથા એ બે બાબતોથી ઇતર વિવિધ સંદર્ભોમાં જીવનસંદેશ દાખવતું પ્રૌઢસાહિત્ય એ જયભિખ્ખુની સર્જનપ્રતિભામાંથી પાંગરેલું પ્રકીર્ણ છતાં નોંધપાત્ર સાહિત્ય છે. આ સાહિત્યનું સમગ્રલક્ષી અવલોકન કરતાં જણાય છે કે જયભિખ્ખુએ એમાં ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, ચરિત્ર, સંસારદર્શન વગેરે વિષે સરળ, સહજ અને બાળભોગ્ય શૈલીમાં આલેખન કર્યું છે.

સાહિત્યની નાની કે મોટી કોઈ પણ કૃતિના સર્જન સમયે એનું કથાવસ્તુ પસંદ કરતી વખતે જયભિખ્ખુએ હંમેશા બે બાબતોનો ખાસ ખ્યાલ રાખ્યો છે. એક તો એ કૃતિમાં રસને ઝીલવાનું કેટલું સામર્થ્ય છે અને બીજું એમાં માનવતાનું દર્શન કેટલે અંશે થઈ શકે એવું છે ? જો કૃતિના વસ્તુમાં આ બે તત્ત્વો જયભિખ્ખુને ક્ષમતાવાળાં જણાયાં તો પછી એમના દ્વારા એ કથા રસભર અને હૃદયસ્પર્શી બનતી જ બનતી. એમના આ પ્રકરણમાં તપાસેલા બાળ, કિશોર અને પ્રૌઢ સાહિત્યના સંદર્ભમાં તો આ વાત વિશેષ કરીને સત્યરૂપે જોવા મળે છે. નાનકડો કથાપ્રસંગ પણ આ બે તત્ત્વોની ક્ષમતાવાળો હોય તો એમને હાથે રઢિયાળો બની ગયો છે, કલાત્મક રૂપ પણ પામ્યો છે. ‘દેશના દીવા’ ‘શ્રમનો મહિમા’ ‘હીરાની ખાણ’ ‘માણું મોતી’ વગેરેમાં આવા ઘણા પ્રસંગો મળે છે.

જયભિખ્ખુનાં પોતાના જીવનમાં જે જિંદાદિલી, મર્દાનગી અને સચ્ચાઈ હતાં તે એમના આવા સાહિત્યમાં અનાયાસે પ્રતિબિંબિત થયાં છે. તેઓ માનતા કે સાહિત્ય તો એવું હોવું જોઈએ જે માનવીમાં રહેલી સાહસવૃત્તિને ઉત્તેજી જીવનમાં અને વિકાસશીલ બનાવે, એવી માનવતાને પરિમાર્જિત કરે. કિશોરોને શૌર્ય-સાહસની પ્રેરણા મળી રહે એ હેતુથી એમણે ‘જવામર્દ’