પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રેણીનાં વિવિધ પુસ્તકો લખ્યાં છે એ એમની ઉપર્યુક્ત વિચારસરણીનું પરિણામ છે. આમ તો આપણે ત્યાં કિશોરોને શૌર્ય, સાહસની પ્રેરણા આપતું સાહિત્ય જયભિખ્ખુ પહેલાં પણ સારા એવા પ્રમાણમાં લખાયું છે પણ મોટે ભાગે એવા સાહિત્યના નાયકો ટારઝન કે અલીબાબા વગેરે હતાં. આ પરદેશી કથાસૃષ્ટિનું રૂપાંતર કરીને આપણા કિશોરો સમક્ષ એ સાહસસૃષ્ટિને રજૂ કરાઈ હતી. જયભિખ્ખુ અને એમના સમકાલીન બાળસાહિત્યકારોએ ભારતદેશના જ નવયુવાનોના ખમીરને વ્યક્ત કરતી. સત્ય ઘટનાઓ કે કલ્પનાકથાઓ સાહસકથાઓરૂપે આપવાની શરૂ કરી. જયભિખ્ખુની ‘જવાંમર્દ’ શ્રેણીનું આવું જ એક કિશોરોને અદ્ભુત સાહસસૃષ્ટિની પ્રેરણા આપતું સર્જન છે, જેમાં ભારતની સ્વાતંત્ર્યચળવળ સમયની યુવાનોની જવાંમર્દીનું દર્શન કરાવાયું છે.

જયભિખ્ખુ પહેલાંનું બાળસાહિત્ય કલ્પનાકથામાં વિશેષ રાચતું હતું. પરીઓની સ્વપ્નસૃષ્ટિમાં બાળકોને રમમાણ કરી દેતું બાળસાહિત્ય આપણે ત્યાં ઘણુંબધું સર્જાયું છે પણ ગિજુભાઈની પ્રેરણા પછી બાળસાહિત્યના વિષયક્ષેત્રમાં રહેલી સંભવસમૃદ્ધિ તરફ સર્જકોનું લક્ષ્ય ખેંચાયું. સર્જનશક્તિ અને શિક્ષકદ્રષ્ટિના સમન્વય વડે જ સાચું બાલસાહિત્ય સર્જી શકાય એ દૃષ્ટિકોણ ખીલ્યો. એના પરિણામે જયભિખ્ખુ અને એમના સમકાલીનોએ કલ્પિત પાત્રોની રમૂજી કથાઓ લખવાને બદલે વીર પુરુષોની કથાઓ લખી. બાળકોને પરીઓની સ્વપ્નસૃષ્ટિને બદલે શૌર્યની સૃષ્ટિનો પરિચય કરાવ્યો.

જયભિખ્ખુનું આ સાહિત્ય વિષયદ્રષ્ટિએ પણ વૈવિધ્યયુક્ત છે. એમાં એમણે દંતકથાઓ, લોકકથાઓ તેમ જ ધર્મકથાઓનો ઉપયોગ કરીને એમાંનાં કલ્પના તથા ચમત્કારતત્ત્વને ગાળી નાખીને, આજનો બુદ્ધિજીવી વર્ગ ગળે ઉતારી શકે એ રીતે રોચક ફેરફાર કરીને સરસ વાર્તાઓ સર્જી છે. એમની આ વાર્તાઓ એમાંની ટૂંકા વાક્યોવાળી પ્રવાહી શૈલીને કારણે બાળકોને એક અનોખી રસસૃષ્ટિમાં રમમાણ કરે છે. હિતોપદેશના વિષ્ણુ શર્માની જેમ ભારેખમ બન્યા વગર હળવી શૈલીમાં આ વાર્તાઓ આબાલવૃદ્ધ સૌને જીવન જીવવાનો સાચો રાહ ચીંધે છે અને જીવનનો આનંદ માણવાની દ્રષ્ટિ આપે છે. આ ઉપરાંત કહેવતકથાઓ, પ્રાણીકથાઓ, નીતિકથાઓ પણ