પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્યાં બહાર પડે છે પણ જૈન તેમ જ જૈનેતર, બાળક વા વૃદ્ધ, સામાન્ય વા વિશિષ્ટ સહુ કોઈને રસ પડે તેવું સરળ લોકભોગ્ય ભાષામાં ને નવીન ઢબથી ઓછું બહાર પડે છે. સાહિત્ય કે સૂત્રનું ધ્યેય કંઈ વાદવિવાદ, પાંડિત્યદર્શન કે ક્લિષ્ટતામાં નથી. એવું ધ્યેય માણસને સંસ્કારી બનાવી જીવનને ઉચ્ચ બનાવવા પૂરતું જ છે. (‘જૈનધર્મની પ્રાણીકથાઓ’, પૃ. ૬).

જયભિખ્ખુનું આ સાહિત્ય જેમ વિષય અને સ્વરૂપની દૃષ્ટિએ વૈવિધ્યવંતુ અને નાવીન્યયુક્ત છે તેમ શીર્ષકોની દૃષ્ટિએ પણ આગવું છે. એમની આ કૃતિઓના શીર્ષકો બાળકો જેવાં રમતિયાળ, કાવ્યાત્મક અને વિષય તરફ બાળકોને આકર્ષવાનું મન થાય એવાં છે. જેમ કે ‘લીલી લીલી વરિયાળી’ ‘આંબે આવ્યો મોર’ ‘નાનો પણ રાઈનો દાણો’ ‘ઢ માંથી ધુરંધર’ ‘રત્નનો દાબડો’ ‘ચપટી બોર’ ‘માણું મોતી’ ‘પાલી પરવાળાં’ વગેરે. તેઓ માનતાં કે બાળસાહિત્યનાં પુસ્તકોને પૂરી ચીવટથી શણગારવાં જોઈએ જેથી બાળકોને એ પુસ્તકો તરફ એક પ્રકારનો પ્રેમભાવ જાગે. આથી જ એમનાં બાળવાર્તાનાં પુસ્તકોનાં મુખપૃષ્ઠ વિવિધરંગી અને આકર્ષક બનતાં.

જયભિખ્ખુના આ પ્રકારના સાહિત્યની સમગ્રલક્ષી મૂલવણી કરતાં ફાધર વાલેસે કહ્યું છે : ‘વસ્તુ સનાતન ને શૈલી આધુનિક - એમાં શ્રી જયભિખ્ખુની ખાસિયત આવી જાય છે. મહાવીર ને બુદ્ધ, પુરાણો ને મહાભારત, ધર્મકથાઓ ને ઇતિહાસકથાઓ – આ બધાંના બોધથી એમની કલમ સમૃદ્ધ થાય, બધાંનો ઉપદેશ એમનાં પાનામાં ઝિલાય, એ શાશ્વત બોધ એ રોચક વેધક શૈલીમાં રજૂ થાય.... એ સચોટ વાક્યો, સૂત્રોની પરંપરા, ક્રિયાપદની કરકસર, અલંકારોનો મેળો : બોધની દોરી પરોવવા અણીદાર શૈલીની કરામત - ને એમ રમતાં રમતાં જીવનના પાઠ ભણાવવાની કલા.’ (‘લીલી લીલી વરિયાળી’ના આરંભે ‘સંસ્કાર-સ્રોત’.પૃ. ૬).

શબ્દોના ભારે કરકસરિયા એવા જયભિખ્ખુનાં વાક્યો ઓછામાં ઓછા શબ્દોથી તૈયાર થાય છે. ઓછામાં ઓછાં વાક્યોથી એમનું કથાનક સર્જાય છે. હળવી રમતિયાળ શૈલીમાં વહેતું જયભિખ્ખુનું ગદ્ય સર્જકના આગવા મિજાજને પ્રગટાવે છે. બાળકોને ગમે એવી, એમના મનમાં કુતૂહલ જન્માવે એવી હથોટીમાં એક કથકની અદાથી તેઓ વાર્તાને માંડે છે.…. મલાવીને