પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આજે વર્તમાનપત્રો દ્વારા જ મળતી થઈ છે. લગભગ ઘણાબધા નોંધપાત્ર સર્જકો વર્તમાનપત્રોનાં કૉલમો લખવા આગળ આવવા લાગ્યા છે પણ જયભિખ્ખુએ જ્યારે પત્રકારની હેસિયતથી લખવા માંડયું, ત્યારે પત્રકારી મહિમાના અભાવને કારણે છાપાનો લેખક બીજી-ત્રીજી કક્ષાનો ગણાતો એ તાસીર જે હોય તે, પણ જયભિખ્ખુનું પણ મેઘાણીની જેમ પત્રકારક્ષેત્રે આગોતરું આગમન એમની પાસે ઘણું ફરજિયાતપણે લખાવી ગયું. ‘કટારલેખન’માં પણ એકરૂપતાને બદલે વિવિધતા એ જયભિખ્ખુમાં દેખાઈ આવે છે. વાર્તાઓ, પ્રસંગકથાઓ, જીવનચરિત્રો, રેખાચિત્રો અને કેટલીક નવલકથાઓ અને એમના કુલ સાહિત્યસર્જનનો પ૦ ટકા હિસ્સો આ પત્રકારી સાહિત્યનો છે જે જયભિખ્ખુને વિપુલ સાહિત્યસર્જનની અનુકૂળ ભોમ પૂરી પાડે છે.

પત્રકાર જયભિખ્ખુ પાસેથી આપણને વિપુલ પ્રમાણમાં અને વિવિધ સ્વરૂપમાં સાહિત્ય-પરિપાક મળ્યો છે. જો કે અહીં એ વાત નોંધવી જોઈએ કે એમણે સ્વરૂપઆલેખનનો બહુ આગ્રહ સેવ્યો નથી. સૂઝતું ગયું એ લખતા ગયા, જોયું એ લખતા ગયા, અનુભવ્યું એ લખતા ગયા. ઘટના, પ્રસંગ કે બનાવ જે કોઈ સ્ત્રોતમાંથી એમને મળ્યો એનો અક્ષરદેહ આપતા ગયા. આગવી અને વિશિષ્ટ રોચક શૈલી અને શબ્દવિન્યાસ એ સાધતા ગયા ને એમ જયભિખ્ખુ, પત્રકાર જયભિખ્ખુ ઘણાંબધાં પુસ્તકોના લેખક તરીકે પ્રસિદ્ધિ પામતા ગયા. સમયકાલીન પ્રવાહો સાથે એમના કદમ મળતા રહ્યા ને એ અનેકોનું ધ્યાન ખેંચતા ગયા. પ્રવાસો, સંમેલનો, પરિષદો, મિલન- મેળા-મુલાકાતો પણ લખતા ગયા. ગેબી-અણગેબી અનુભવો પણ આલેખતા ગયા. નદીઓ, સરોવરો, પહાડો, ગીરીકંદરાઓ, સાગરખેડુઓની કથાઓ આપતા ગયા. વર્ણનોમાં આગવી તાકાત બતાવતા થયા અને એમ સાહિત્યનું એમનું સર્જન લોકભોગ્ય બની રહ્યું. પરિણામે એ લોકપ્રિય સર્જક બની ગયા. એમનાં અનેક લખાણો ગ્રંથસ્થ થતાં ગયાં. એનાં વિવેચનો થયાં કે નહીં, એને પ્રસિદ્ધિ મળી કે નહીં એની વલવેશ ચિંતા એમણે કદી રાખી નથી પણ એમનાં પુસ્તકો પ્રસિદ્ધ થતાંની સાથે ચપોચપ એની નકલો ઉપડી જતી ને કેટલાંક પુસ્તકોની તો એક કરતાં વધુ આવૃત્તિઓ થઈ એ આ લોકપ્રિય સર્જકની આગવી સિદ્ધિ.