પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

લેખો મોકલતા. પોતે સાયલા (સૌરાષ્ટ્ર)ના વતની હોવાથી એક નામ ‘ભીક્ષુ સાયંલાકર’ રાખ્યું હતું. પ્રેરક કથાઓ લખતા એમાં બીજું ઉપનામ ‘વીરકુમાર’ રાખ્યું હતું ને ત્રીજું જે અતિ લોકપ્રિય બન્યું તે ઉપનામ ‘જયભિખ્ખુ’. એમનું બાળપણનું હુલામણું નામ ભીખાલાલ અને એમનાં ધર્મપત્નીનું નામ જયાબેન. જયાબેનના નામમાંથી ‘જય’ અને ભિખાલાલના નામમાંથી ‘ભિખ્ખુ’ એમ બંનેનું ‘જયભિખ્ખુ’ એમ નામ સર્જાયું. ગુજરાતી સાહિત્યમાં પતિ-પત્ની બંનેના નામ ધરાવતું તખલ્લુસ એ પત્રકાર જયભિખ્ખુની કલ્પનાસરજત છે.

એ જમાનામાં કટારલેખકને પુરસ્કાર આપવાનો રિવાજ બહુ ઓછો હતો. પણ એ નોંધવું જોઈએ કે એક બાજુ કલમને ખોળે જીવતો લેખક અને ‘જયભિખ્ખુ’ ના લખાણોમાંની તાકાત - એનાથી એમને પુરસ્કારો પણ મળતા હતા. આમ ‘જયભિખ્ખુ’ નામ જરા વધારે પ્રચલિત બની ગયું અને પછી તો એ જ નામ કાયમનું બની ગયું.

‘રવિવાર’ પછી વાર્તા માસિક ‘સવિતા’ના વિશિષ્ટ અંકોનું સંપાદન જયભિખ્ખુના હાથે થતું હતું. ‘સવિતા’નો ધર્મકથા અંક એમણે તૈયાર કર્યો હતો. ‘જનકલ્યાણ’ના એક વિશેષાંકનું એમણે અને શ્રી ધૂમકેતુએ થઈને સહ-સંપાદન કર્યું. આને કારણે શ્રી જયભિખ્ખુની ‘સંપાદનકલા’ વિકસી અને પ્રતિષ્ઠા પામી. એ પછી ‘વિશ્વવિજ્ઞાન’ અને ‘વિશ્વમંગલ’ નામના સામયિકોનો ભાર ‘તીર્થકલા વિશેષાંક’, ‘નરનારાયણ વિશેષાંક’, ‘અમદર દામ્પત્ય વિશેષાંક’, ‘પર્વકથા વિશેષાંક’, ‘વિદેશનીતિકથા વિશેષાંક’ સંપાદિત કર્યા.

જયભિખ્ખુની સંપાદનકલાની એ નોંધપાત્ર સિદ્ધિ હતી કે એમના હાથ નીચે સંપાદિત થતા વિશેષાંકોમાં જાણીતા લેખકની કૃતિઓ તો આવતી, પણ સાથે સાથે ઘણા નવોદિત લેખકોને શોધી-શોધીને વિશેષાંકોમાં લખવા એ નિમંત્રણો આપતા. જરૂર પડે એમના લેખોને સુધારી-સુધારીને છાપતા પણ ખરા, એમ ઘણા નવોદિત લેખકોને એમણે પ્રકાશમાં લાવવાનું કામ પણ કર્યું, લખતા કરવાનું કામ કર્યું. ભૂપત વડોદરિયાએ એમની પહેલી ધર્મકથા જયભિખ્ખુના આગ્રહથી લખી હતી, જ્યારે એમને શ્રદ્ધા નહોતી કે પોતે આવું કંઈ કથાસાહિત્ય રચી શકશે.

‘સંદેશ’ દૈનિકમાં કેટલાક નવા વિભાગો શરૂ કરવાના હતા.