પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નવરાત્રિના દિવસોમાં અડોશપડોશના મિત્રો રાતના સાથે ગરબા સમયે બેસતા એ વખતે પડોશમાં રહેતા એ વખતના સંદેશના તંત્રી મંડળના સભ્ય જયંતકુમાર પાઠકે દર અઠવાડિયે એકવાર તેમની કલમનો લાભ ‘સંદેશ’ના વાચકોને આપવા કહ્યું. નાની બેઠકમાં આ સહૃદયી સજ્જનનો પરિચય અને દૈનિકપત્રના વણસ્પર્શેલા વાતાવરણને સ્પર્શવાનો લાભ મળે એ હેતુથી હા પડાઈ. અને એ મૈત્રીનું સીધુ પરિણામ એ ‘સંદેશ’ની કૉલમ ‘ગુલાબ અને કંટક’. દર ગુરુવારે ‘સંદેશ’માં આ ‘ગુલાબ અને કંટક’ વિભાગ આવતો થયો. ધીમે ધીમે એ વિકસતો ગયો ને એમાંથી કેટલાક સુંદર પ્રસંગો પસંદ કરીને એ જ નામે પુસ્તક ગુજરાતને મળ્યું તે ‘ગુલાબ અને કેટક’.

અર્ધશતાબ્દીને આરે પહોંચેલા લેખકના જીવનમાં એમણે કરેલી રઝળપાટી અને અથડામણોમાં કેટલી વીરલ વ્યક્તિઓનાં દર્શન એમને થયાં એનું આલેખન આ ‘ગુલાબ અને કંટક’માં થયું. લેખકે ક્યાંક ગુલાબમાં કંટક ખીલેલાં જોયાં તો ક્યાંક કંટક વચ્ચે ગુલાબ. જીવતરના રણમાં કેટલીક લીલી કુંજારો કે મીઠી વીરડીઓ તો ક્યાંય મીઠી વીરડીઓ અને સુખના ફુવારાઓ વચ્ચે જીવનના સત્ત્વને વેરણછેરણ કરી નાખતા કાંટાઓ એવાં વ્યક્તિ- સમષ્ટિનાં ચિત્રો કયારેક ઊજળાં, ક્યારે વિરોધાભાસી એમાં આવતાં. સંસાર ગુલાબ અને કાંટા એમ બંનેની પથારી છે એ વાત અને એ પ્રતીતિની કથાઓ દર અઠવાડિયે ‘સંદેશ’ના એ ‘ગુલાબ અને કંટક’ વિભાગમાં ગુરુવારે પ્રગટ થતી. દુનિયા જેમ શેતાનનું ઘર છે એમ દેવનું દહેરું પણ છે, એવી વાતો વાચકોને આહ્‌લાદક અને આકર્ષક લાગતી ને એ કૉલમ ખૂબ વંચાતી.

દૈનિકોમાં લખતા થયા ને સૌરાષ્ટ્રના ‘કૂલછાબ’ અને ‘જયહિંદ’માં એમની ધારાવાહિક નવલકથાઓ પણ પ્રગટ થઈ. સૌરાષ્ટ્રના એ વખતે વર્તમાનપત્રોમાં નવલકથાઓ લખતા લેખકોમાં એક મોટું નામ હતું વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીનું. એ સૌરાષ્ટ્રના દૈનિકોમાં ધારાવાહિક નવલકથાઓ ખૂબ લખતા. હવે એમની સાથે બીજું નામ પણ પ્રકાશમાં આવતું ગયું. બાલાભાઈ વીરચંદ દેસાઈનું, પણ એ નામ તો બધાંને અગોચર જ રહ્યું, આગળ રહ્યું, એમનું ઉપનામ ‘જયભિખ્ખુ’. આ ગાળામાં સામયિકો અને દૈનિકોની કૉલમો દ્વારા જયભિખ્ખુ ખૂબ મોટું નામ ઉપસાવી શક્યા હતા.

એક બાજુ સૌરાષ્ટ્રનાં દૈનિકોમાં ધારાવાહિક નવલકથાઓ પ્રકાશિત