પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

થતી હતી, તો બીજી તરફ ‘સંદેશ’માં લોકપ્રિય બનેલી કૉલમ ‘ગુલાબ અને કંટક’ એની સોળે કળાએ ખીલી હતી ત્યારે ‘સંદેશ’માં પરિસ્થિતિ પલટાઈ અને જયભિખ્ખુને ‘ગુજરાત સમાચારે’ ઝડપી લીધાં. ‘ગુજરાત સમાચાર’માં ‘ઇંટ અને ઇમારત’ એ કૉલમ લખવાનું એમણે સ્વીકાર્યું. આ કૉલમે વખત જતાં જયભિખ્ખુને ઘેર ઘેર જાણીતા કરી દીધા. રાજકારણ, હાસ્યલેખ, સ્ત્રી- વિભાગ કે બાળવિભાગ અથવા લોકપ્રિય કથાવાર્તામાંથી ભરપૂર એવા પત્રકારત્વમાં ચરિત્રાત્મક પ્રેરક લખાણોનો નવો ચીલો જયભિખ્ખુએ પાડ્યો. એ વખતના વર્તમાનપત્રોમાં એવાં ઘણાં પાના રોકાતા જેમાં પ્રજાના જીવનના બહેકાટ અને બેચેની-અજંપો પ્રગટે એને બદલે જયભિખ્ખુ આવતા અને જીવનલક્ષી બોધદાયી સાહિત્ય પ્રજાને પીરસાતા ‘ઇંટ અને ઇમારત’ કૉલમ ત્રણ ભાગમાં વહેંચાઈ જતી. એક મુખ્ય લેખ જે સમાજકારણ, ધર્મકારણ કે રાજકારણને લગતો હોય તે મુખ્યત્વે એ પ્રસંગકથા કહી જતો હોય, તો બાજુમાં ‘પ્રસંગકથા’ની એક હળવા નર્મમર્મ વ્યંગની કટાક્ષકથા અને લેખના મધ્યમાં એક ઉર્દૂ શેર-શાયરી મૂકાતી, જે વાચકોના દિલ-દિમાગને તરબતર કરી દેતી. હજી આજે પણ આ કૉલમનો ઢાંચો એવો ને એવો અખંડ રહ્યો છે. આજે જ્યારે જયભિખ્ખુ આપણી વચ્ચે નથી ત્યારે આ અતિ લોકપ્રિય બનેલી કૉલમ એમના પુત્ર પ્રા. ડૉ. કુમારપાળ દેસાઈ લખી રહ્યા છે અને પિતાનો એ અમૂલ્ય વારસો અને પરંપરા તેમણે જાળવી રાખ્યા છે. રાજકારણ અને સમાજજીવનનો વેધક કટાક્ષ તથા જીવનને નિર્મળી છાંટી જતાં પ્રસંગોમાંથી પસંદગી પામીને અનેક સંગ્રહો જયભિખ્ખુ પાસેથી આપણને મળ્યા છે.

‘ગુજરાત સમાચાર’ ઉપરાંત એ જ સંસ્થાના બાલ-સાહિત્ય વિભાગ ‘ઝગમગ’માં જયભિખ્ખુએ એના પહેલા પાને કથા-વાર્તા કે ચરિત્ર લખવાનું સ્વીકારેલું. એ દ્વારા બાળકોની એક આખી પેઢીને એમના ભૂતકાળના સંસ્કારવારસાની ઓળખ આપી. એ ટૂંકા ટૂંકા વાક્યોવાળી એમની છટાદાર શૈલી અપનાવવાનો પ્રયાસ કર્યો. ‘માણુમોતી’ નામે ઝગમગમાં એક નાની કહેવતકથા પણ એ લખતા. બાળસાહિત્યની આ રસલહાણમાંથી એમણે કેટલીય બાળકથાઓના સંગ્રહો આપ્યા જેનો ઉલ્લેખ ‘બાળસાહિત્યકાર’ના પ્રકરણમાં આ શોધનિબંધમાં કરેલો છે, એટલે અહીં પુનરુક્તિદોષ કરવો