પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ગદ્યની પાયાની ભૂમિકામાં પાશ્ચાત્ય ગદ્યના સ્પષ્ટ સંસ્કાર છે. વળી ભારતીય સાહિત્યનો અભ્યાસ કરતી વેળાએ આપણી પાસે મોટે ભાગે કાવ્યશાસ્ત્ર'ના જ માપદંડો હતા અને ગદ્યસાહિત્યને ચકાસતી વેળાએ પણ આપણે એ જ માપદંડો - ધારાધોરણો નજર સમક્ષ રાખીને ગદ્યસાહિત્ય વિશે વિચાર્યા કર્યું છે. આ સંજોગોમાં આપણે ‘ગદ્ય માટે ગદ્યશાસ્ત્ર’ના ચોખ્ખા માપદંડો વિષે આજેય બહુ વિચાર્યું નથી, અને એ જ, સર્જનાત્મક ગદ્ય વિષે લખવાની બાબતમાં આપણી દહેશતનો વિષય બનવાનો સંભવ છે. કેમ કે - કયા માપદંડોથી આપણે ગુજરાતીના સર્જનાત્મક ગદ્યને પાળવા મથામણ કરીશું તો પરિણામ વૈજ્ઞાનિક આવશે ? એ પ્રશ્ન, જ્યાં સુધી ગદ્યશાસ્ત્રોનાં તમામ ઓજારો વ્યવસ્થિત રીતે નહિ મૂકાય ત્યાં સુધી ઊભો જ રહેવાનો.

આ બધું સાચું, પણ એની સામે સર્જકોને ન્યાય આપવા માટેય એટલું તો કહેવું જ પડશે કે શું ચિંતનાત્મક કે શું સર્જનાત્મક - ગદ્યલેખનની બાબતમાં - આપણા સર્જકોએ પોતાની રીતે આલેખન કરીને સર્જનાત્મક પરિણામો તો આપ્યાં જ છે. આપણું ગદ્યવિવેચન ભલે સમૃદ્ધ ના હોય પણ આપણું ગદ્યસાહિત્ય - એના આરંભકાળથી જ - એક યા બીજી રીતે સર્જનાત્મક આકર્ષણ તો ટકાવી શક્યું જ છે. ગોવર્ધનરામ જે પ્રશિષ્ટ સર્જક પછી આંગળીને વેઢ કનૈયાલાલ મુનશી જેવા રંગદર્શી મિજાજના સર્જક આવે તો પણ બંનેના આકર્ષણનો સંદર્ભ તો સરખો અને સંતોષજનક રહ્યો છે.

જયભિખ્ખુના સાહિત્ય અંગે ચર્ચાવિચારણા કરતાં આપણે એકાધિક વાર કહ્યું છે કે આ લેખકે સતત લખ્યું છે અને તેઓ તેઓનો સહૃદયવર્ગ પણ ટકાવી રાખી શક્યા છે, એટલું જ નહીં, કેટલાક વિદ્વાન વિવેચકોએ પણ પોતાના સાહિત્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ક્યારેક રસ દાખવ્યો છે. અલબત્ત, જયભિખ્ખુને સાચો ન્યાય મળે, એટલું તેઓના સાહિત્યનું અધ્યયન થયું નથી. ચંદ્રકાન્ત બક્ષી જેવા જબરૂ લખતા સર્જક તો કહેશે કે સફળ લેખકને વિવેચકના અભ્યાસની ખાસ ચિંતા હોતી નથી. વળી આપણે ત્યાં આજે મૈત્રીવિવેચનના કાટલાંથી સાહિત્યિક સમીક્ષાઓનાં વજન જોવાય છે,