પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૨૯
 

નવલકથાઓમાં પૂર્વપરંપરા કરતાં તદ્દન નવીન અને વિશિષ્ટ પ્રદાન કર્યું હોય. બુદ્ધકાળ, મૌર્યકાળ અને ગુપ્તયુગ પૂર્વેના ઇતિહાસની સાથે સંબંધ ધરાવતી રજપૂતકાલીન નવલકથાઓમાં એમણે જૈન ધર્મના પ્રાણ સમ અહિંસા અને શાંતિના સૂરને કૌશલ્યથી ઉપસાવ્યો છે.

આમ સામગ્રીના વૈવિધ્યની માતબર પરિસ્થિતિ, નવલસાહિત્યના સર્જન નિમિત્તે સતત સંકોરાતી જીવનચેતના, જીવનમાંગલ્યના પરમ તત્ત્વોને પામવા-પમાડવાની સર્જક-ચેતના સાથે ગુજરાતી સમાજ-સંસ્કારને આશ્લેષમાં રાખી વિકસતી ગુજરાતી નવલકથાને ‘જયભિખ્ખુ’ જેવા વૈવિધ્યસભર વિષયવસ્તુથી સમૃદ્ધ, સ્વચ્છ, માંગલ્યદર્શી જીવનદર્શનથી પરિસ્કૃત અને ગુજરાતી પ્રજાના સામાન્ય વાચકવર્ગથી માંડીને સુખ્યાત વિદ્વાનો દ્વારા પુરસ્કૃત સર્જક મળે એ કોઈ અકસ્માત ગણી શકાય નહિ. જયભિખ્ખુની સર્જક ચેતનાનું વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય ગુજરાતી નવલકથાની સોપાન-શ્રેણીનું એક વિશુદ્ધ સંસ્કાર-સંમાર્જિત, રંગસમૃદ્ધ અલ્પનામંડિત, પ્રશિષ્ટ સાહિત્યરસિત સોપાન છે.

ઐતિહાસિક નવલકથામાં આવતો ઇતિહાસ ઇતિહાસરૂપે અતડો ન રહેવો જોઈએ. કલાની વિશિષ્ટ પ્રક્રિયા હેઠળ એનું રાસાયણિક પરિવર્તન થવું જોઈએ. આવું સાહિત્યકૃતિમાંનું ઇતિહાસનું પરિવર્તિત રૂપ વધુ રમણીય અને આસ્વાદ્ય બને છે. અલબત્ત, ઇતિહાસ પરિવર્તન પામીને પણ ઇતિહાસસત્ત્વથી સ્યૂત ન થાય એનું ઐતિહાસિક નવલકથામાં ધ્યાનમાં રાખવું ઘટે.

ઇતિહાસ અને નવલકથા બંનેને માનવમાં રસ છે. માનવસંસ્કૃતિની ચરમ સિદ્ધિ પણ મનુષ્યને પામવામાં છે. માનવઆત્માનો તાગ મેળવવાના ઇતિહાસકારના પુરુષાર્થમાં નવલકથાએ મદદરૂપ બનવાનું છે. ઇતિહાસ નવલકથા પર કે નવલકથા ઇતિહાસ પર સત્તા જમાવવા જાય તો છેવટે માનવતાના ચિત્રણમાં જ વિકૃતિ આવે. ઐતિહાસિક સાહિત્યકૃતિમાં ઇતિહાસનું તથ્ય ન જળવાય તો એમાં સાહિત્યનું ઇતિહાસ પરનું આક્રમણ જ સિદ્ધ થાય અને એ ઉચિત નથી.

ઐતિહાસિક નવલકથાના સર્જકનું પ્રયોજન ઇતિહાસ લખવાનું નથી.