પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ત્યારે બક્ષીની વાત વિચારવા જેવી પણ લાગે જ છે. આગળ વધીને એમ કહી શકીએ કે કોઈપણ સફળ સર્જકની કોઈને ને કોઈને તો ક્યારેક ગરજ પડતી જ હોય છે. આ શોધનિબંધ પણ એવી જ કોઈ ગરજનું પરિણામ છે. એવી ગરજ જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યનું અધ્યયન કરતા હોઈએ ત્યારે એના અધ્યયનનાં પરિણામોની ગંભીરતા પણ સ્વાભાવિક રીતે જ ચિત્તસ્થ હોય છે.

આ અભ્યાસ કરતી વખતે, જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યના અનુસંધાનમાં - અલબત્ત, જયભિખ્ખુ પછી ખાસ્સા સમયે પ્રકાશિત થયેલી - સુરેશ જોશીના ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’ આગળ મૂકેલા અભ્યાસલેખનું સ્મરણ થશે. સુરેશ જોશી લખે છે, ‘આપણા ગદ્ય અર્વાચીન કાળમાં સર્જનાત્મક પ્રકારમાં કથાસાહિત્ય અને નિબંધથી શરૂઆત કરી. આનંદશંકર મણિલાલ સુધી પહોંચતા તો સૂક્ષ્મ દાર્શનિક વિચારણા પ્રાસાદિક રીતે વ્યક્ત કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લીધી. આજે ગદ્યની નવી નવી છટાઓ ખીલી રહેલી જોવા મળે છે. આ બધું અવલોકવું અને એને વિષે આલોચનાત્મક તપાસ કરવી તે હવે અનિવાર્ય બની રહ્યું છે.’ (‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’- આમુખ-પૃ. ૫).

સુરેશ જોશીએ અવલોકનનો મહિમા સમજાવ્યો છે, એ મહિમા કેવળ તેઓએ આપેલા માપદંડોથી જ તપાસવો એવો તો તેમનો આગ્રહ નહિ હોય. કારણ કે તેઓ પોતે પણ આ સંપાદનમાં જે છે તે શ્રેષ્ટ જ છે, એમ સ્પષ્ટપણે કહી શકતા નથી - કોઈ કહી શકે નહિ. આખરે, તો સાહિત્યસર્જન એ વ્યક્તિગત સંદર્ભમાં જ સર્જનાત્મક રચનાવિધિનાં કર્મકાંડો અને એનાં પરિણામો દાખવે છે. એક સર્જકને અમુક બાબતો પ્રત્યે આકર્ષણ હોય તો બીજાને એ પ્રત્યે રોષ કે કંટાળો પણ હોઈ શકે. આ બધી ચર્ચામાં કે ગુજરાતી સર્જનાત્મક સાહિત્યની વિચારણામાં કોઈએ નામ પાડીને જયભિખ્ખુ વિષે સર્જનાત્મક ગદ્યના અનુસંધાને કશું લખ્યું નથી. તેઓના ગદ્ય વિષે જે સામાન્ય રજૂઆત થઈ છે, તેથી આગળ અહીં કશું રજૂ કરવાનો ઉપક્રમ છે.