પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારમાસી ગાય છે. પ્રકરણના આરંભે જ પ્રણયરસાયણની પ્રક્રિયા આલેખતું ગદ્ય પણ કવિતાસામગ્રીથી કથયિતવ્યને વધુ રમણીય આસ્વાદક બનાવે છે. આ પ્રકરણની કવિતામાં પરંપરાગત બારમાસીનું જ વર્ણન છે અને ઋતુઋતુનાં પરિવર્તનશીલ ઉપચાર-વ્યવહાર-સંચારનું જ એમાં આલેખન છે. લેખકે, બારમાસી ગાતી સખીઓના ગાન સાથે ઋતુસંલગ્ન અભિનયનું દર્શન પણ સુપેરે કરાવ્યું છે. આમ સમગ્ર પ્રકરણ જોતાં એક નવલકથામાં, ગદ્યકૃતિમાં - કવિતાનું આલેખન જરાય કઠતું નથી, બલ્કે, કવિતાના આલેખનથી નવલકથાના નિરૂપણનો મહિમા વધે છે. આ અર્થમાં જોઈએ તો નવલકથાની સ્વરૂપસિદ્ધિ સંદર્ભે, કશી દેખીતી અનિવાર્યતા સિદ્ધ થતી હોય તો, એને કવિતા સાથે બાપે માર્યા વેર હોતાં નથી. આ બાબત અગાઉની બીજી કેટલીક નવલકથાઓની જેમ ‘પ્રેમાવતાર’-૨માં પણ માણી-નાણી શકાય છે.

તેથી જરા ભિન્ન રીતે, ‘ભગવાન ઋષભદેવ’ નવલકથાનું પહેલું પ્રકરણ તપાસવા જેવું છે. એમાં પદ્ય નથી, એમ છતાં કવિતા છે. લેખકે આરંભે મન્વંતર પહેલાની વસંતનું વર્ણન કર્યું છે અને એની સાથે સાથે જ કથારસનો પ્રચાર વહેતો થાય એવું કાવ્યરસિક આલેખન કર્યું છે. વસંત અને એના મિત્ર રસરાજ શૃંગારનો સામટો ઉદય દર્શાવતા આ આલેખનમાં વિલાસની પ્રચૂર માત્રા હોવા છતાં ક્યાંય રસભંગ કે રુચિભંગ થતો નથી, એ એની આગવી વિશેષતા ગણી શકાય. સમગ્ર પ્રકરણ જ દૃષ્ટાંત તરીકે તપાસી શકાય એવું છે. છતાં, એનાં કેટલાંક વાક્યો કે વાક્યખંડો જોઈને સંતોષ લઈએ.

— નાનાં નાનાં મેદાનો પર માતાના સ્તન જેવા મીઠા ડુંગરા પથરાયેલા હતા. (પૃ. ૪)

— બ્રહ્મચર્ય જેવું વ્રત તેમણે કદી જાણ્યું નહોતું ને વ્યભિચાર જેવો ખરાબ શબ્દ એમણે કદી સાંભળ્યો નહોતો. (પૃ. ૬)

— અહીંનો માનવી કવિતા નહોતો કરી જાણતો, પણ કવિતાનું જીવન એ અવશ્ય જીવતો. (પૃ. ૭)

— અહીં તો મૃત્યુ પણ જીવનનું એક અંગ જ છે ને ? (પૃ. ૮)