પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બીજી આંખ પર બાંધેલી રક્તરંગી પટ્ટી, ઊભા શિહોળિયા જેવા વાળ, બખ્તર વીંધીને સુગરીના માળા જેવા બહાર લટકતા માંસના લોચા, એક કપાયેલો અડધો હાથ, બીજા હાથમાં રક્તટપકતી તલવાર, ઊંચાઈ તાડ જેવી, દાંત વીજળીના લિસોટા જેવા ચમકદાર ! જોતાં જ જાણે ફાટી પડીએ એવો દેખાવ !’ (પૃ. ૨૬૨).

‘પ્રેમાવતાર’-રનું બારમાસી નામનું પ્રકરણ જેમ શાશ્વત યૌવન અને વસંતનું નવલોપકારક મહિમાગાન કરે છે, એમ ‘ભાગ્યનિર્માણ’નું ‘ભડકામણું ભૂત’ પ્રકરણ આખું અદ્ભુત, ભયાનક અને બીભસ્ત રસના સંયોજનથી સિદ્ધ થયું છે. એની પ્રસંગલીલાઓ અને પાત્રોની ક્રિયા- પ્રતિક્રીયાઓ-એક તદ્દન નવા સ્વાદનો પરિચય કરાવે છે. પ્રેતના વર્ણનનો એક પરિચ્છેદ આપણે ઉપર જોયો. સમગ્ર પ્રકરણ અને નવલકથાના અનુસંધાનમાં પ્રેતના ડોળાનું વર્ણન જોઈશું તો ‘ઝેરી સાપની ખૂની આંખો જેવો ચમકતો એક આંખનો ડોળો’માં ઉપમેય-ઉપમાન લક્ષણ તથા વિશેષણલક્ષણ, ખાસ કરીને આંખ (અને તે પણ એક)ના સંદર્ભમાં કેટલું અર્થાનુસારી બને છે ? લેખક ભલેને એક જ પરિસ્થિતિનું વર્ણન કરતા હોય, પણ એમાં જ એ પૂર્વાપરના તમામ સંદર્ભો સાથે લગા સાંકળીને એ પરિસ્થિતિને સમગ્ર કૃતિના અનુસંધાનમાં જ પ્રયોજતા હોય છે. એ પછી થોડી જ વારમાં ‘ઊંચાઈ તાડ જેવી’ એવી એક ઉપમા અચાનક આવી પડે છે. મસ્તક, આંખ, હાથ, વાળ, દાંત એ સર્વની વચ્ચે ઊંચાઈની આ ઉપમા પ્રેતના આખા દેખાવને અને એના ભૂતકાળને નવું પરિમાણ આપી રહે છે. વળી, તાડની ઊંચાઈનો વિચાર આવતાં જ એકલતા, અંધકાર, પર્ણરવની પિત્રવિચિત્ર અનુભૂતિ વગેરે સામટાં ચિત્ર સમક્ષ ખડા થાય છે. એમ તો આ આખું પ્રકરણ આપણે ઉપર કહ્યું એમ, આ જ પ્રકારના અદભુત-ભયાનક- બીભત્સ રસની લેખકની નિરૂપણ ક્ષમતાનું દ્યોતક બને છે.

જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યના મહાસાગરમાંથી એક માત્ર આચમની ભરેલા દ્રવ્યનો આ અનુભવ છે. આ સર્જક પાસે નોંધપાત્ર ગદ્યરિદ્ધિ છે, એટલું પણ આ પ્રયત્ન દ્વારા સમજાશે તો આટલું કર્યું સાર્થક થશે. હવે,