પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જયભિખ્ખુના સાહિત્યસર્જન પછી ખાસ્સા લાંબા કાળે સુરેશ જોશી સંપાદિત ‘ગુજરાતી સર્જનાત્મક ગદ્ય’ ના આમુખનું મહત્ત્વ પણ પ્રસ્તુત લાગશે. નવા સંદર્ભમાં પ્રકાશિત થયેલા અભ્યાસગ્રંથો એ પ્રકાશિત થી ગયેલા સર્જકોના પુનર્મૂલ્યાંકન માટે કેટલીક મહત્ત્વની ભૂમિકા પૂરી પાડે છે, એ પણ આથી સ્પષ્ટ થશે. આમુખમાં સુરેશ જોશીએ સર્જનાત્મક ગદ્યની તપાસ અંગે લખતા કહ્યું છે, ‘સામાન્યરીતે એક પરિચ્છેદને એક એકમ લેખીને ચાલવું જોઈએ. એમાંના વાક્ય વાક્ય વચ્ચેનો સંબંધ કેવો છે, વાક્યો લાંબા છે કે ટૂંકા છે, સમાસબહુલતા છે ખરી, વ્યસ્તક્રમ છે ખરો ને હોય તો શો હેતુ સિદ્ધ કરે છે, પ્રશ્નો તથા ઉદ્દગારો વાગ્છટા સિદ્ધ કરવા માટે છે કે એથી કશુંક સૂક્ષ્મ રસકીય પ્રયોજન ઉદ્દિષ્ટ છે, વાંચતા કશોક લય કાને પડે છે ખરો - આ મુદ્દાઓ વિગતે તપાસવા જોઈએ.’ (પૃ. ૧૧).

હવે માત્ર સુરેશ જોષીના મુદ્દાઓને આધારે જ અહીં નિદર્શનરૂપ આપેલા કેટલાક પરિચ્છેદો વિષે વિચારીશું તો સમજાશે કે એમાંની મોટાભાગની સામગ્રીના અનુસંધાનમાં જયભિખ્ખુના સર્જનાત્મક ગદ્યનો અભ્યાસ થઈ શકે એમ છે. અભ્યાસ અને એમાંનાં તારણો - પદાર્થ વિજ્ઞાનની રીતે - દરેક અભ્યાસી એકસરખાં નહિ આપી શકે. પણ એટલું તો ચોક્કસ કહી શકાય કે આપણે આ નાનકડા અભ્યાસમાં પણ સુરેશ જોશીએ જેને મહત્ત્વનું પ્રયોજન ગણાવ્યું છે એ – ‘સૂક્ષ્મ રસકીય પ્રયોજન’ - વિષે કશુંક સ્પષ્ટ અને ઉલ્લેખનીય દર્શન કરી - કરાવી શક્યા છીએ. સુરેશ જોષીએ જડબેસલાક માર્ગદર્શનની વૃત્તિ રાખી નથી અને આપણે પણ ક્યારેક - ખાસ તો કવિતા અને કવિતાસામગ્રીની વિચારણામાં - તેમની વિચારણાથી ખસીને કાર્ય સાધ્યું છે. અહીં તો એટલું જ પ્રતિપાદન કરવાનું શક્ય બને છે કે ગમે તે સમયે માપદંડોની સમજણ વિકસી હોય, પણ આપણે ધારીએ તો સાચા સાહિત્યને જાણવા માટે સાચા માપદંડનો ગમે ત્યારે વિનિયોગ કરી શકીએ છીએ.

જયભિખ્ખુના સાહિત્યમાંથી લીધેલાં, ઉપરનાં કેટલાંક નમૂનારૂપ દૃષ્ટાંતો આપણા અભ્યાસના આછોતરા લસરકા જેવા છે અને આ